લંડનઃ ૨૦૧૩માં ચાલુ ઓપરેશને દર્દી સળગી જતાં નોકરીમાંથી છૂટા કરાયેલા NHS કન્સલ્ટન્ટ અને મૂળ નાઈજીરીયાના સર્જન ઓબી ઈવુચુક્વુને વંશીય ભેદભાવ અને ગેરવાજબી રીતે છૂટા કરવા બદલ ૬૩,૦૦૦ પાઉન્ડનું વળતર ચૂકવી આપવા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે હોસ્પિટલને આદેશ કર્યો હતો.
ઈવુચુક્વુએ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે તેમના સહયોગી કોંગોમાં ઝૂંપડી બહાર ઓપરેશન કરતા હોય તેવા આક્ષેપ સાથે તેમની ટીકા કરતા હતા. ઈવુચુક્વુ દર્દીના ઘાના સ્ટરીલાઈઝેશન માટે સર્જિકલ ટૂલને ગરમ કરી રહ્યા હતા ત્યારે આલ્કોહોલ સાથેનું એન્ટિસેપ્ટિક એકદમ જ સળગી ઉઠ્યું હતું. તે દિવસે તેમને એક્વીઅસ આધારિત એન્ટિસેપ્ટિકને બદલે આલ્કોહોલ અપાયું હતું. તેને લીધે મહિલા દર્દી ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેમને અને આ ઘટનામાં સંકળાયેલા હોસ્પિટલના તમામ સ્ટાફનું કાઉન્સેલિંગ કરાયું હતું. ઈવુચુક્વુ અગાઉ સાઉથ ટાયનેસાઈડ અને સન્ડરલેન્ડ NHS ફાઉન્ડેશન ટ્ર્સટ સાથે ફરજ બજાવતા હતા.

