લંડન
લેબર પાર્ટી દ્વારા હાથ ધરાયેલી એક સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં એનએચએસને 7 બિલિયન પાઉન્ડનો ચૂનો લગાવવામાં આવ્યો છે. આટલી રકમમાંથી 17000 નર્સ અને 8000 જીપીના પગાર આરામથી થઇ શક્યા હોત. 2019-20ની સરખામણીમાં એનએચએસે છેતરપિંડી, લાંચ અને ભ્રષ્ટાચારમાં 54 મિલિયન પાઉન્ડ વધુ ગુમાવ્યા છે. એક ક્રિમિનલ ગેંગે એનએચએસમાંથી જ 3 લાખ પાઉન્ડના માલસામાનની ચોરી કરી ફરી પાછો તે જ સામાન એનએચએસને વેચ્યો હતો.
લેબર પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે સરકાર લેભાગુઓને સરકારી નાણાની લૂટ ચલાવવા છુટો દોર આપી રહી છે. જો સરકારે અબજો પાઉન્ડનો ચૂનો લગાવનાર અપરાધીઓ પ્રત્યે લચર વલણ ન અપનાવ્યું હોત તો આ નાણાની મદદથી એનએચએસની ઘણી બધી જરૂરીયાતો પૂરી કરી શકાઇ હોત.
2020-21માં ફ્રોડના કારણે એનએચએસને 1.2 બિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. 2020 સુધીના પાંચ વર્ષમાં એનએચએસને ફ્રોડ કરનારાઓ દ્વારા 6.2 બિલિયન પાઉન્ડનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. આ વર્ષના આંકડા તેમાં ઉમેરવામાં આવે તો છેલ્લા 6 વર્ષમાં એનએચએસને 7.4 બિલિયન પાઉન્ડનો ચૂનો લગાવવામાં આવ્યો છે.
માર્ચમાં 47600 જુનિયર ડોક્ટર 72 કલાકની હડતાળ પર જશે
જુનિયર ડોક્ટરોએ માર્ચ મહિનામાં 72 કલાકની હડતાળ પર જવાનો નિર્ણય કરતા એનએચએસમાં વધુ અંધાધૂંધી સર્જાવાનો ભય છે. માર્ચ મહિનામાં 47600 જુનિયર ડોક્ટરો કોઇપણ પ્રકારનું ઇમર્જન્સી કવર આપ્યા વિના 72 કલાકની હડતાળ પર જશે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર 77 ટકા જુનિયર ડોક્ટરોએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું હતું. બીએમએ જુનિયર ડોક્ટરો માટે 2008ના સ્તરે પગારની એટલે કે હાલના પગારમાં 26 ટકા વધારાની માગણી કરી રહ્યું છે. જુનિયર ડોક્ટરોની આ હડતાળના કારણે બે લાખ એપોઇન્ટમેન્ટ અને નોન અર્જન્ટ ઓપરેશન રદ થવાની સંભાવના છે.


