લંડન
યુકેમાં છૂટાછેડાની અરજીઓની સંખ્યા છેલ્લા એક દાયકાની ટોચે પહોંચી છે. દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારી લગ્ન જીવન પર પણ અસર કરી રહી છે. યુકેમાં છૂટાછેડા લેવા ઇચ્છતા યુગલોને કારણો આપવામાંથી મુક્તિ આપતા કાયદાના અમલને એક વર્ષ પુરું થતાં સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં છૂટાછેડાની અરજી 11 ટકા વધીને 1,19,709 પર પહોંચી છે. વર્ષ 2012 પછી આ સૌથી ઊંચો આંકડો છે. 2021માં છૂટાછેડા માટેની અરજીઓની સંખ્યા છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછી રહી હતી. ફેમિલી કાયદાના નિષ્ણાતો આના માટે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસને જવાબદાર ગણાવી રહ્યાં છે. આર્થિક દબાણ સર્જાતાં યુગલો વચ્ચે સર્જાતો તણાવ છૂટાછેડા તરફ દોરી જાય છે. છૂટાછેડાની પ્રક્રિયા પણ સંપુર્ણપણે ડિજિટલાઇઝ્ડ કરી દેવાઇ હોવાથી 94 ટકા અરજીઓ ઓનલાઇન કરવામાં આવે છે. લીગલ નિષ્ણાતો કહે છે કે આર્થિક અંધાધૂંધીએ ભૂતકાળમાં પણ છૂટાછેડાની સંખ્યા વધારી દીધી હતી. વ્યાજદરમાં વધારો અને ફુગાવાના ઊંચા દરના કારણે પરિવારો પ્રચંડ દબાણ અનુભવી રહ્યાં છે.


