લંડન
છેલ્લા એક વર્ષમાં નોકરીદાતાએ બિઝનેસ બંધ કરી દેતાં 10 લાખ કરતાં વધુ લોકોએ નોકરી ગુમાવી હોવાનો દાવો લેબર પાર્ટી દ્વારા કરાયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં પુરા થયેલા છેલ્લા એક વર્ષમાં 4,50,000 બિઝનેસ પર તાળા વાગી ગયાં છે. આ બિઝનેસ બંધ થયા ત્યારે તેમાં 10,11,206 કર્મચારી કામ કરતા હતા. લેબર પાર્ટીનો દાવો છે કે મોટી કંપનીઓ નાની કંપનીઓને સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ જવાથી નાની કંપનીઓ બંધ થઇ રહી છે. હાલ મોટી કંપનીઓએ નાની કંપનીઓને 20 બિલિયન પાઉન્ડ ચૂકવવાના બાકી હોવાની માહિતી છે.
લેબર પાર્ટીના શેડો બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ સરકારની નિષ્ફળતાના કારણે બિઝનેસ મરણપથારીએ પડ્યો છે. બિઝનેસ શરૂ કરવા માટે યુકે એક આકર્ષક સ્થળ હોવો જોઇએ. ટોરી સરકારની આર્થિક નિષ્ફળતાઓના કારણે 10 લાખથી વધુ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.


