લંડનઃ વર્ષ 2018થી નાની હોડીઓ દ્વારા યુકેમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા પૈકીના બે ટકા કરતાં પણ ઓછા લોકોને અન્ય દેશોમાં મોકલી અપાયાં છે. જે દર્શાવે છે કે રાજ્યાશ્રયના પડતર દાવાની સંખ્યા ઘટાડવાના વચનનું પાલન કરવામાં વડાપ્રધાન સુનાક નિષ્ફળ ગયાં છે. જાન્યુઆરી 2018થી જૂન 2023 વચ્ચે 96000 કરતાં વધુ વિદેશીઓ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા તેમાંથી ફક્ત 1319 વિદેશીઓને યુકેમાંથી દેશનિકાલ કરાયાં છે. બીજીતરફ ઓક્ટોબર 2023માં રાજ્યાશ્રયના પડતર દાવાની સંખ્યા 1,23,000 પર પહોંચી હતી. સામાન્ય રીતે 75 ટકા કરતાં વધુ અરજકર્તાઓ રાજ્યાશ્રય મેળવવામાં સફળ થતાં હોય છે.


