લંડનઃ યુકેમાં કામ કરતા કેર વર્કર્સને હિંસક હુમલાઓનો પણ સામનો કરવો પડે છે. ચોંકાવનારા આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં કેર વર્કર્સ પર 6500 જેટલાં હિંસક હુમલા કરાયાં હતાં. દર્દીઓની કાળજી લેતી વખતે કેર વર્કર્સને દરરોજ હિંસાનો સામનો કરવો પડે છે. ક્યારેક તેમને માર પણ મારવામાં આવે છે.
જીએમબી યુનિયન દ્વારા કરાયેલા એક સરવેમાં 1700 કરતાં વધુ કેર વર્કર્સના મંતવ્ય લેવાયાં હતાં. 52 ટકાએ જણવાવ્યું હતું કે અમે શારીરિક હુમલા સહન કર્યાં છે જ્યારે 66 ટકાએ જણાવ્યું હતું કે, તેમના પર શાબ્દિક હુમલા કરાય છે.
છેલ્લા પાંચ વર્ષમાં કેર વર્કર પર હુમલાની 6469 ઘટના નોંધાઇ હતી જેમાં તેમને ઇજા થતાં ઓછામાં ઓછું એક સપ્તાહ કામથી દૂર રહેવું પડ્યું હતું. તેમાંથી 1200 હુમલામાં કેર વર્કર્સને હાડકાં તૂટી જવાં, મગજમાં ઇજા થવી જેવી ગંભીર ઇજાનો સામનો કરવો પડ્યો હતો.