છેલ્લા બે વર્ષમાં બ્રિટનવાસીઓના વીજળીના બિલમાં અધધધ 7.2 બિલિયન પાઉન્ડનો વધારો

ગેસ દ્વારા ઉત્પાદિત વીજળીની કિંમત સૌથી વધુ, જથ્થાબંધ વીજળીના ભાવ આસમાને પહોંચ્યા

Wednesday 08th February 2023 06:22 EST
 
 

લંડન

બ્રિટનમાં જે રીતે વીજળી ઉત્પાદનની કિંમતમાં વધારો થયો છે તે જોતાં છેલ્લા બે વર્ષમાં બ્રિટનવાસીઓના વીજળીના બિલમાં 7.2 બિલિયન પાઉન્ડનો વધારો થયો છે. પ્રવર્તમાન નિયમો પ્રમાણે વીજળીની સપ્લાયર કંપનીઓ જથ્થાબંધ વીજળીની ખરીદી માટે સર્વોચ્ચ કિંમતો ચૂકવી રહી છે. ગેસ ફાયર્ડ પાવર સ્ટેશન દ્વારા ઉત્પાદિત વીજળી સૌથી મોંઘી છે પરંતુ તેમના દ્વારા ઉત્પાદિત વીજળીના ફક્ત 40 ટકા બ્રિટનના પરિવારો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તેનો અર્થ એ કે અન્ય વિકલ્પો દ્વારા ઉત્પાદિત વીજળીની સૌથી ઊંચી કિંમત બ્રિટનના પરિવારો ચૂકવી રહ્યાં છે. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજીએ જણાવ્યું છે કે અમે વીજળીના માર્કેટની સઘન સમીક્ષા શરૂ કરી છે જેથી લાંબાગાળે ગ્રાહકો માટે વીજળીની કિંમતમાં કાપ મૂકી શકાય.

એપ્રિલથી પાણીના બિલમાં છેલ્લા બે દાયકાનો સૌથી મોટો વધારો થશે

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એપ્રિલ મહિનાથી પાણીના બિલમાં છેલ્લા બે દાયકાનો સૌથી મોટો વધારો થવા જઇ રહ્યો છે. વોટર યુકેના જણાવ્યા અનુસાર એપ્રિલથી પાણીના બિલ 448 પાઉન્ડ પ્રતિ વર્ષ પર પહોંચી જશે જે 7.5 ટકાનો ઉછાળો દર્શાવે છે. પાણીના બિલમાં 8 પેન્સ પ્રતિ દિન અથવા તો 31 પાઉન્ડ પ્રતિ વર્ષનો વધારો દર પાંચમાંથી એક ગ્રાહક માટે ટિપિંગ પોઇન્ટ પર પહોંચી જશે.

શેલ કંપનીનો નફો 115 વર્ષની ટોચની સપાટીએ, બીપીનો નફો 23 બિલિયન પાઉન્ડ

એકતરફ બ્રિટનવાસીઓ ઇંધણો અને વીજળીની કિંમતોનો માર વેઠી રહ્યાં છે ત્યારે બ્રિટનની ઓઇલ જાયન્ટ શેલ કંપનીનો નફો છેલ્લા 115 વર્ષની ટોચની સપાટીએ 32 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો છે. બ્રિટિશ પેટ્રોલિયમનો નફો પણ ગયા વર્ષ કરતાં બમણો થઇને 23 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો છે. લેબર પાર્ટીનો આરોપ છે કે એપ્રિલ મહિનાથી બ્રિટનમાં એનર્જી પ્રાઇસમાં 40 ટકાનો વધારો થવા જઇ રહ્યો છે ત્યારે સરકાર ઓઇલ કંપનીઓને તગડો નફો રળવાની પરવાનગી આપી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter