જંગી ટેક્સચોરી કૌભાંડમાં ગુજરાતી બિઝનેસમેન સંજય શાહની પ્રોપર્ટી જપ્ત

Wednesday 12th February 2020 03:37 EST
 
 

લંડન: ડેનમાર્કના ટેક્સપેયરોના ૧.૫ બિલિયન પાઉન્ડની છેતરપિંડી કરવાના આરોપી મલ્ટિમિલ્યોનેર બ્રિટિશ બિઝનેસમેન સંજય શાહનું સેન્ટ્રલ લંડનમાં આવેલું મેન્શન ડેનમાર્ક પોલીસે જપ્ત કર્યું હતું. હેજ ફંડના ભૂતપૂર્વ વડા ભારતીય ૫૦ વર્ષીય સંજય શાહના પ્રવક્તા જેક ઈરવિને હાઈડ પાર્ક પાસે આવેલી ૧૪.૭ મિલિયન પાઉન્ડની પ્રોપર્ટી જપ્ત કરાઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. દુબઈમાં રહેતા સંજય શાહે ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, બ્રિટનમાં કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ છે.

ડેનિશ પોલીસે જણાવ્યું હતું કે તેમણે ૧૨ બિલિયન ડેનિશ ક્રોનર (૧.૫ બિલિયન પાઉન્ડ)ની ઠગાઈના એક શકમંદની માલિકીની પ્રોપર્ટી જપ્ત કરી હતી. પોલીસે શાહનું નામ લીધું ન હતું. પરંતુ, સંજય શાહના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી હતી. શાહે ડેન્માર્કમાં શેર ડિવિડન્ડ પર કર રાહત મેળવવા માટે છેતરપિંડીપૂર્વક નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને ગૂંચવણભરી સ્કીમ તૈયાર કરી હોવાનો આક્ષેપ છે.

ડેનમાર્કના કાયદા મુજબ કંપનીઓ શેર ડિવિડન્ડના ૨૭ ટકા ટેક્સ ચૂકવવા માટે તેમની પાસે રાખે છે. પરંતુ, વિદેશી રોકાણકારો તેમના ટેક્સનું રિફંડ મેળવી શકે છે. ડેનિશ ટેક્સ ઓથોરિટીએ જણાવ્યું હતું કે ૨૦૧૨-૧૫ના ગાળામાં બ્રિટિશ એજન્ટોને મલ્ટિપલ રિફંડ્સ ચૂકવવામાં છેતરપિંડી થઈ હતી. તેમાં ૨૦૧૬માં બંધ થયેલા સંજય શાહના હેજ ફંડ સોલો કેપિટલમાં લગભગ ૮૦૦ મિલિયન પાઉન્ડ રહી ગયા હતા. ૨૦૧૮માં હાઈ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સંજય શાહને છેતરામણી સ્કીમ માટે પ્રાથમિક રીતે જવાબદાર હોવાનું જણાવાયું હતું.

દરમિયાન, ભૂતપૂર્વ મેડિકલ વિદ્યાર્થી, એકાઉન્ટન્ટ અને ટ્રેડર સંજય શાહે પોતે નિર્દોષ હોવાનું જણાવીને દાવો કર્યો હતો કે તેમને ટ્રેડર્સ પાસેથી જે કાનૂની સલાહ મળી હતી તે કાયદેસર હોવાનું તેમણે માન્યું હતું. તેમણે જણાવ્યું હતું, ‘તેઓ મને સહેલાઈથી લક્ષ્ય બનાવી શકે તેમ છે. તેમણે ગોલ્ડમેન સાક્સ જેવી મોટી બેંક પર આરોપ મૂક્યો હોત તો બેંકના વકીલોની ટીમે સામે પ્રહાર કર્યો હોત. વ્યક્તિગત આરોપ મૂકવો સહેલો છે.’

નોંધનીય છે કે ૨૦૦૪માં સંજય શાહે લંડનમાં એક અન્ય શખ્સની સાથે મળીને ‘કોમેક્સ ટ્રેડિંગ ’ સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં રોકાણકારોને બેવડા કરવેરાથી બચાવવાનું વચન અપાયું આવ્યું હતું. રોકાણથી થનારી કમાણી ઉપર ઓછામાં ઓછો ટેક્સ લાગે અને વધુ બચત થાય તેવા સપના દેખાડી લાખો પાઉન્ડ પડાવાયા હતા. ટેક્સ ચોરીના આ કૌભાંડમાં સંજય શાહ ઉપરાંત અનેક લોકો સામેલ હતા, એક મોટી ટીમ દ્વારા આ સ્કેમ આચરાયું હતું અને તેમાં ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, બ્રિટિશ નાગરિકો પણ ફસાયા હતા. જુદા જુદા દેશોમાં ચાલતી તપાસમાં કૌભાંડીઓની સંપત્તિને જપ્ત કરીને લોકોના નાણા વસૂલવા પ્રયાસ થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter