લંડનઃ ભારતમાં આતંકવાદના આરોપસર વર્ષોથી કેદમાં રખાયેલા બ્રિટિશ નાગરિક જગતાર સિંહ જોહલને તેમની સામે ચાલી રહેલા કેસો પૈકીના એકમાં ભારતની અદાલત દ્વારા નિર્દોષ છોડવાનો આદેશ અપાયો છે. ગ્લાસગો નજીકના ડમ્બરટનના શીખ એક્ટિવિસ્ટ જોહગલ 2017માં ભારતના પંજાબમાં એક લગ્નમાં હાજરી આપવા ગયા હતા ત્યારે તેમના પરિવારના જણાવ્યા અનુસાર તેમની ધરપકડ કરીને એક અજાણી કારમાં ઉઠાવી જવાયા હતા. જોહલને એક કેસમાં મુક્ત તો કરાયા છે પરંતુ તેમની સામે હજુ ઘણા ગંભીર આરોપ ધરાવતા કેસ છે.
સાંસદ ડગ્લાસ મેકએલિસ્ટરે જણાવ્યું હતું કે, સરકારે હવે જોહલની મુક્તિ સુનિશ્ચિત કરવામાટે પગલાં લેવાં જોઇએ. ભારતના વિદેશ મંત્રી બ્રિટનની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમની મુક્તિ સુનિશ્ચિત કરાવવાની એક અદ્દભૂત તક છે જેથી જોહલ તેમના પરિવાર પાસે પાછા ફરી શકે.
એલિસ્ટરે જણાવ્યું હતું કે યુકેની સરકાર દ્વારા કોઇ રાજદ્વારી પગલાં ન લેવાતાં જોહલ દાયકાઓથી જેલમાં સબડી રહ્યા છે. તેમની વિરુદ્ધ વિશ્વસનીય પુરાવા ન હોવા છતાં કેસોની સુનાવણી વિલંબિત કરવામાં આવી રહી છે. તેમના પર ભારતની જેલમાં અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને શીખોના અધિકાર માટે લડત ચલાવવાના કારણે મોતની સજાનો સામનો કરી રહ્યા છે.