લંડનઃ આગામી ૨૦૨૫ સુધીમાં જગુઆર લેન્ડ રોવર્સની જગુઆર બ્રાન્ડ ઓલ – ઈલેક્ટ્રિક થશે તેમ કારનિર્માતાએ જણાવ્યું હતું. કંપની ૨૦૩૦ સુધીમાં તેની તમામ જગુઆર અને લેન્ડ રોવર કારના ઈલેક્ટ્રિક મોડેલ્સ બહાર પાડશે. કંપની તેની નવી વ્યૂહરચનાના ભાગરૂપે તેના તમામ ત્રણ બ્રિટિશ પ્લાન્ટ્સ ચાલુ રાખશે.
પરંતુ, કંપનીએ કેસલ બ્રૂમવીચ પ્લાન્ટમાં તેના XJ Saloonનું ઈલેક્ટ્રિક વર્ઝન બનાવવાની યોજના પડતી મૂકી છે. તેનો અર્થ એ કે ત્યાં કારનું ઉત્પાદન બંધ થઈ જશે. ચીફ એક્ઝિક્યુટિવ થીએરી બોલોરે જણાવ્યું હતું કે કંપની તેની કારમાં નવી ટેક્નોલોજી માટે વર્ષે અંદાજે ૨.૫ બિલિયન પાઉન્ડ ખર્ચશે.


