જનતા મૂર્ખ નથી, સારી રીતે સમજે છે કે સરકાર શા માટે કરવેરામાં ઘટાડો કરી શક્તી નથી – સુનાક

હું એવું મજબૂત અર્થતંત્ર તૈયાર કરવા માગુ છું કે આપણે કરવેરા ઘટાડી શકીએ અને તમામ જાહેરસેવાઓને પુરતા પ્રમાણમાં ભંડોળ ઉપલબ્ધ કરાવી શકીએ - વડાપ્રધાન

Wednesday 25th January 2023 06:11 EST
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે સંસદમાં પ્રશ્નોત્તરી દરમિયાન જણાવ્યું હતું કે, દેશની જનતા મૂર્ખ નથી. તે સારી રીતે સમજી શકે છે કે સરકાર શા માટે કરવેરામાં ઘટાડો કરી શક્તી નથી. સાંસદોના સવાલોના જવાબ આપતાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું ચાન્સેલર હતો ત્યારે વડાપ્રધાન ટેક્સ પોલિસી પર કોઇ ટિપ્પણી કરતા નહોતા તે સમયે હું પણ કરવેરામાં કાપ મૂકવાનીતરફેણ કરતો હતો. હું કન્ઝર્વેટિવ છું અને કરવેરામાં કાપ મૂકવા માગુ છું, હું ઇચ્છું છું કે આવતીકાલે જ કરવેરા ઘટાડી દઉં પરંતુ અમે કરવેરામાં ઘટાડો શા માટે કરી શક્તા નથી તેના કારણો તમે સારી રીતે જાણો છો. તમે મૂર્ખ નથી. તમે જાણો છો કે શું થયું હતું.

સુનાકે જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધે સરકારના ખજાના પર મોટો બોજો નાખ્યો છે. હું પણ ફુગાવાને નિયંત્રણમાં લાવવા, વ્યાજદરમાં ઘટાડો કરવા અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા ઇચ્છું છું જેથી એનએચએસ અને શાળાઓને વધુ ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાય. આ વર્ષે હું વડાપ્રધાન તરીકે તમારા માટે જે કાંઇ કરવા જઇ રહ્યો છું તે અંગે મારા પર વિશ્વાસ રાખો. જો આપણે સફળ થઇશું તો અમે કરવેરા ઘટાડી શકીશું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું પણ તમને ઘણા વચનો આપી શકું છું પરંતુ તેનાથી સ્થિતિ બદતર જ બનવાની છે. મારી જવાબદારી છે કે તમામને સારી નોકરીઓ મળે. હું એવું મજબૂત અર્થતંત્ર તૈયાર કરવા માગુ છું જેમાં એનએચએસ અને શાળાઓ સહિત તમામ જાહેર સેવાઓને પુરતા પ્રમાણમાં ભંડોળ મળી શકે. વ્યાજદરોમાં ઘટાડો થાય જેથી તમે વ્યાજબી કિંમતે મકાનો ખરીદી શકો, ફુગાવા પર નિયંત્રણ આવી શકે અને અમે કરવેરામાં ઘટાડો કરી શકીએ જેથી તમારી બચતોમાં વધારો થાય.

જોકે ઊંચા કરવેરાની સામે ટોરી સાંસદોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. સર ઇયાન ડંકન સ્મિથે જણાવ્યું હતું કે, અર્થતંત્રનો વિકાસ નહીં થાય તો આ સરકાર ડૂબી જશે. આપણે આગામી ચૂંટણી પણ જીતી શકીશું નહીં. લોકો પર કરવેરાનો ભારે બોજો છે અને મંદીના સમયમાં જનતા પર કરવેરાનો બોજો વધારી શકાય નહીં. ટોરી સાંસદ સર જ્હોન રેડવૂડે જણાવ્યું હતું કે કરવેરામાં ઘટાડો આવશ્યક છે. કરવેરા જનતાને પરવડે તેવા હોવા જોઇએ. પૂર્વ વડાપ્રધાનો બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસ પણ કરવેરામાં ઘટાડો ઇચ્છતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter