લંડનઃ કેન્સર નિદાન થયા બાદ જનતા દ્વારા મળેલા પ્રેમથી કિંગ ચાર્લ્સ તૃતીય અભિભૂત થયાં છે. સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું બંધ કર્યા બાદ પહેલીવાર વડાપ્રધાન રિશી સુનાક સાથેની પ્રથમ સાપ્તાહિક મુલાકાતમાં કિંગે જણાવ્યું હતું કે, જનતા તરફથી મળેલા સંદેશા જોઇને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. કિંગે સરકારી મામલાઓ પર સલાહ આપતી પ્રાઇવી કાઉન્સિલ સાથે પણ બેઠક યોજી હતી.
બકિંગહામ પેલેસ ખાતે સત્તાવાર મિટિંગના પ્રારંભ પહેલાં કિંગે વડાપ્રધાન સુનાક સાથે કેટલીક હળવી પળો માણી હતી. પેલેસ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં સુનાક કિંગને કહે છે, તમને સ્વસ્થ જોઇને ઘણો આનંદ થાય છે. જવાબમાં કિંગે જણાવ્યું હતું કે, આ બધાની શુભેચ્છાઓનું પરિણામ છે. સુનાકે કિંગને જણાવ્યું હતું કે, સમગ્ર દેશ તમારી પડખે છે. જવાબમાં કિંગે જણાવ્યું હતું કે, મને ઘણા અદ્દભૂત સંદેશા અને કાર્ડ મળ્યાં છે. તેમને વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં.


