લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે જ્યારે જનતાને એમ લાગશે કે સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે ત્યારે સંસદની ચૂંટણી યોજવાની મારી ઇચ્છા છે. હું આ વર્ષના ઉત્તરાર્ધમાં ચૂંટણી યોજવાની ગણતરી રાખું છું. હું જાણું છું કે જનતા બદલાવ જોવા ઇચ્છે છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું વારંવાર અને સ્પષ્ટ કહેતો રહ્યો છું કે આપણે વર્ષના ઉત્તરાર્ધમાં સંસદની ચૂંટણી યોજીશું. તેમાં કોઇ બદલાવ થવાનો નથી. મારી યોજના જનતા સુધી બદલાવ પહોંચાડવાની છે. લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મર પાસે કોઇ યોજના જ નથી. તેઓ તેમને મળી રહેલા જનસમર્થનને હળવાશથી લઇ રહ્યાં છે. જનતા બદલાવ જોવા ઇચ્છે છે પરંતુ અમે બદલાવ લાવી રહ્યાં છીએ. તે કોઇપણ પ્રકારની યોજના વિના કોઇપણ પ્રકારનો બદલાવ લાવી શક્તાં નથી. તમે તેની ઇચ્છા પણ કરી શક્તાં નથી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઓફર પર સૌથી મહત્વની બાબત પસંદગી છે. મારી સરકારે કરવેરામાં કાપ મૂકવાનું શરૂ કર્યું ત્યારે ફુગાવા અને એનર્જી બિલની અવગણના કરી હતી. આપણા દેશ માટે છેલ્લા કેટલાક વર્ષ આકરાં રહ્યાં છે. મને વિશ્વાસ છે કે આ વર્ષ સ્થિતિને બદલી નાખશે.

