લંડનઃ યુકેની સ્થાનિક ચૂંટણીઓના પરિણામોને જોતાં આગામી ૮ જૂનની સામાન્ય ચૂંટણીમાં થેરેસા મે કન્ઝર્વેટિવ પાર્ટીની બહુમતી સરકાર બનાવશે તેમ વિશ્લેષણો જણાવે છે. સ્થાનિક ચૂંટણીઓમાં ટોરી પાર્ટીએ સેંકડો કાઉન્સિલ બેઠકો હસ્તગત કરી છે અને મેયરપદની ચૂંટણીઓ પણ જીતી છે તે મુજબ એવો અંદાજ મૂકાય છે કે ટોરી પાર્ટી કોમન્સમાં ૩૪૯ બેઠક મેળવશે, જ્યારે લેબર પાર્ટી ૨૧૫, SNP ૫૪ અને લિબરલ ડેમોક્રેટ્સ માત્ર ૦૯ બેઠક મેળવી શકશે.
થેરેસા મે અત્યારે કોમન્સમાં માત્ર ૧૭ બેઠકની પાતળી બહુમતી ધરાવે છે પરંતુ, સામાન્ય ચૂંટણી પછી તેમને ૪૮ જેટલી બેઠકની બહુમતી પ્રાપ્ત થઈ શકે છે જેનાથી બ્રેક્ઝિટ સોદો પાર પાડવામાં તેમને સરળતા રહેશે. વર્તમાન ઓપિનિયન પોલ્સ અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટી ૪૬ ટકાનો સ્કોર ધરાવે છે, જે લેબર પાર્ટી કરતા ૧૭ પોઈન્ટની સરસાઈ દર્શાવે છે.
સ્કાય ન્યૂઝ માટેના વિશ્લેષણ અનુસાર જો હાલ દેશના દરેક વિસ્તારોમાં ચૂંટણી થઈ હોત તો ટોરી પાર્ટીની તરફેણમાં આશરે ૩૮ ટકા મત પડ્યા હોત, જે નેશનલ ઓપિનિયન પોલની સરખામણીએ ઓછાં છે. એનાલિસ્ટ પ્રોફેસર માઈકલ થ્રેશરના જણાવ્યા મુજબ મેની પાર્ટી આઠ જૂનની ચૂંટણીમાં આશરે ૪૪ ટકા મત મેળવી શકે તો ટોની બ્લેરે ૧૯૯૭માં મેળવી હતી તે અભૂતપૂર્વ બહુમતી સુધી પહોંચી શકશે. જોકે, સ્થાનિક ચૂંટણીઓમાં પણ ૨૦૦૮ પછી કન્ઝર્વેટિવ્ઝનો શ્રેષ્ઠ દેખાવ છે, જ્યારે જેરેમી કોર્બીનના નેતૃત્વમાં ૨૭ ટકા સાથે ૨૦૧૦ પછી લેબર પાર્ટીનો સૌથી ખરાબ દેખાવ ગણી શકાય. ગયા વર્ષની સ્થાનિક ચૂંટણીઓમાં તેનો દેખાવ ૩૧ ટકાના નેશનલ પ્રોજેક્શન સાથે સારો હતો.


