લંડનઃ બ્રિટનની સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહમાં સમગ્ર યુકેમાં લિંગ (સેક્સ) આધારિત અધિકારોમાં ધરમૂળથી પરિવર્તન લાવે તેવો સીમાસ્થંભરૂપ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ઇક્વાલિટી એક્ટ 2010માં ઉલ્લેખ કરાયેલા મહિલા (વુમન) શબ્દનો અર્થ જન્મ સમયે બાળકના લિંગ (સેક્સ) સાથે સંકળાયેલો છે. જન્મ સમયે બાળક માદા હોય તેને મહિલા (વુમન) ગણી શકાય. પાંચ વરિષ્ઠ જજે કાયદા અંતર્ગત વુમન અને સેક્સ શબ્દોને બાયોલોજિકલ ફિમેલની સાથે સરખાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ઇક્વાલિટી એક્ટમાં રહેલા વુમન અને સેક્સ શબ્દો જન્મથી માદા તરીકે જન્મેલી મહિલા અને બાયોલોજિકલ સેક્સનો ઉલ્લેખ કરે છે. પાંચ જજની બેન્ચે સર્વસંમતિથી જણાવ્યું હતું કે, મહિલાની કાયદાકીય વ્યાખ્યામાં જીઆરસી (જેન્ડર રેકોગ્નિશન સર્ટિ.) ધરાવતી ટ્રાન્સજેન્ડર મહિલાઓનો સમાવેશ થતો નથી.
સુપ્રીમ કોર્ટે તેના 88 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, કાયદો સ્પષ્ટ કરે છે કે માનવીમાં સેક્સ (લિંગ) બે પ્રકારના હોય છે. નર અથવા માદા. સેક્સનું અર્થઘટન પ્રમાણિત સેક્સ તરીકે કરવામાં આવશે તો તે પુરુષ અને મહિલાની વ્યાખ્યાની લાક્ષણિકતા પર અસર કરશે. કાયદામાં સેક્સના વર્ગીકરણને સંરક્ષિત કરાયું છે. જો 2010ના કાયદામાં સેક્સનો અર્થ ફક્ત બાયલોજિકલ સેક્સ ન હોત તો ચેન્જિંગ રૂમ, હોમલેસ હોસ્ટેલ, મેડિકલ સર્વિસ સહિત સિંગલ સેક્સ સ્પેસ ઉપલબ્ધ કરાવનારાઓને વ્યવહારૂ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સંબંધિત નિયમો અને નિયંત્રણોના અમલ પર સીધી અસર કરશે. યુકેના ઇક્વાલિટી એક્ટમાં મહિલાની કાયદાકીય વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવી છે તેના પર સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. સમાજ અને નોકરીના સ્થળે લોકોને ભેદભાવ સામે રક્ષણ આપવા આ કાયદો ઘડાયો હતો.
સુપ્રીમના ચુકાદાથી ટ્રાન્સજેન્ડર મહિલાઓને મોટો ફટકો
સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ટ્રાન્સજેન્ડર રાઇટ્સ કેમ્પેનર્સને મોટો ફટકો પડ્યો છે. આ ચુકાદાએ સેક્સ અને જેન્ડરના લીગલ અર્થઘટન અંગે પણ જાહેર ચર્ચા છેડી દીધી છે. કાયદા નિષ્ણાતો કહે છે કે આ ચુકાદાની સમાન વેતન, સેક્સ સેગ્રિગેટેડ સર્વિસિઝ, ડાયવર્સિટી નિયમો મુજબ નોકરી આપવા જેવી બાબતો પર પ્રભાવ પાડશે. જોકે કોર્ટે આ મામલામાં સ્પષ્ટતા કરી છે કે ટ્રાન્સજેન્ડર્સને કાયદા અંતર્ગત અપાયેલું સંરક્ષણ યથાવત રહેશે પરંતુ આ સંરક્ષણ સેક્સ (લિંગ)ના આધારે નહીં પરંતુ જેન્ડર રિઅસાઇનમેન્ટના વિવિધ પરિમાણો પર આધારિત રહેશે.


