હિન્દી ફિલ્મઉદ્યોગની સુપરડુપર હિટ ફિલ્મ ‘શોલે’માં જય-વીરુ નામના બે મિત્રોની જોડીએ પણ ફિલ્મ જેટલી જ પ્રસિદ્ધિ મેળવી હતી. આજે પણ ભારતમાં અતૂટ દોસ્તીની મિસાલ માટે જય-વીરુની જોડીનું ઉદાહરણ અપાય છે. પરંતુ શું તમે જાણો છો કે અહીં લંડનમાં પણ આવી જ એક જોડી વસે છે. બન્ને વચ્ચેની દોસ્તી 87 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આ વાત છે લંડનના 95 વર્ષના મોરિસ કૂપર અને 98 વર્ષના જ્યોર્જ વ્હાઇટિંઘમની. બંનેનો જન્મ સાલ્વેશન આર્મી પરિવારોમાં થયો હતો. 87 વર્ષ પહેલા સાઉથ યોર્કશાયરના ગ્લોડથોર્પમાં બન્ને મિત્રો બન્યા હતા. બસ, તે દી’ની ઘડીને આજનો દી’. આજે પણ તેઓ આટલા જ જિગરજાન દોસ્તો છે. આર્મીના મ્યુઝિક બેન્ડના ભાગરૂપે તેઓ દુનિયાભરની યાત્રા કરી ચૂક્યા છે. આટલી દીર્ઘ દોસ્તીનું રહસ્ય શું છે? તેવા પ્રશ્નના જવાબમાં બન્ને એક સાથે કહે છેઃ સંગીત પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ.