લંડનઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર 4 માર્ચ મંગળવારના રોજ યુકે અને આયર્લેડ સાથેના દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવવા 6 દિવસના પ્રવાસ અંતર્ગત લંડન પહોંચ્યા હતા. તેમણે સૌથી પહેલાં બ્રિટનના હોમ સેક્રેટરી ય્વેટ કૂપર સાથે મુલાકાત કરીને બંને દેશ વચ્ચેના લોકો અને કલાની આપ-લે તથા માનવ તસ્કરી અને ઉગ્રવાદ પર ચર્ચા કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, હોમ સેક્રેટરી સાથેની મુલાકાત ઘણી સારી રહી હતી. જયશંકરે ડેવિડ લેમી સાથે પણ મુલાકાત કરી વેપાર કરારની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ પહેલાં જયશંકરની મુલાકાત પર નિવેદન જારી કરતાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, જયશંકરની મુલાકાત બંને દેશ સાથેના ભારતના મિત્રતાપૂર્ણ સંબંધોને નવો આયામ આપશે. આ મુલાકાત દરમિયાન જયશંકર ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અને રશિયા-યુક્રેન યુદ્ધ પર તેમના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લેમી સાથે બંધ બારણે ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ કરશે જયશંકર ભારતીય સમુદાયના લોકો અને અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, જયશંકર આયર્લેન્ડમાં તેમના સમકક્ષ સાયમન હેરિસ અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. બંને નેતા વચ્ચે લોકતાંત્રિક મૂલ્યો, સાંસ્કૃતિક સંબંધો અને આર્થિક ભાગીદારી પર ચર્ચા થશે. ત્યારબાદ તેઓ નોર્ધન આયર્લેન્ડમાં બેલફાસ્ટ ખાતે અને બ્રિટનમાં માન્ચેસ્ટર ખાતે ભારતીય કોન્સ્યુલેટ્સના ઉદ્દઘાટન કરશે.