લંડનઃ લંડનમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરના કાફલા પર ખાલિસ્તાની અલગતાવાદીના હુમલાના પ્રયાસ બાદ વિદેશમંત્રીઓની સુરક્ષા માટેની યુકેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો સર્જાયાં છે. જયશંકર પ્રકરણને હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવતાં કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, આ ઘટના લોકશાહી અને ભારતમાંના મિત્રો અને સહયોગીઓ માટે આઘાતજનક છે.
બ્લેકમેને આ પ્રકારની ઘટનાઓ અટકાવવા પગલાં લેવા અને વિઝિટર પ્રોટેક્શન પ્રોટોકોલ્સ સંદર્ભમાં સરકારના નિવેદનની માગ કરી હતી. બ્લેકમેને કોમન્સમાં જણાવ્યું હતું કે, ખાલિસ્તાની ઠગો દ્વારાજયશંકર પરનો હુમલો જિનિવા સંધિની વિરુદ્ધ છે. એમ લાગી રહ્યું છે કે પોલીસ અને સુરક્ષા દળો જયશંકરની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે આપણે સુનિશ્ચિત કરવું જોઇએ.
હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના નેતા લ્યુસી પોવેલે આ ઘટના માટે માફી માગતા જણાવ્યું હતું કે, યુકેમાં આવતા મુલાકાતીઓ સાથે આ પ્રકારનું વર્તન થાય તેમ અમે ઇચ્છતા નથી. હોમ સેક્રેટરી દ્વારા નિવેદન અપાય તે હું સુનિશ્ચિત કરીશ.