જયશંકરે ડાયસ્પોરાને ન્યૂ ઇન્ડિયાનો ચિતાર આપ્યો

બ્રિટન વાણી સ્વતંત્રતાના દુરૂપયોગ સામે સાવધ રહે, ખાલિસ્તાની કટ્ટરવાદ ભારતની મૂળભૂત ચિંતાઃ ભારતીય વિદેશ પ્રધાન

Tuesday 21st November 2023 12:19 EST
 
 

લંડનઃ યુકેની મુલાકાતે આવેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે 13 નવેમ્બર સોમવારના રોજ સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટર ખાતે ભારતીય ડાયસ્પોરા માટે એક સમારોહનું આયોજન કર્યું હતું. 30 મિનિટના સંબોધનમાં જયશંકરે ન્યૂ ઇન્ડિયા અને ભારત તથા યુકે વચ્ચેની સમાનતાના સંબંધો અંગે વાત કરી હતી. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને વિવિધ પગલાંની જાણકારી આપી હતી.

ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધને સકારાત્મક પરિબળ ગણાવતા જયશંકરે જણાવ્યું હતું કે, યુકેના ભારતીય ડાયસ્પોરાએ ન્યૂ ઇન્ડિયાનો પ્રસાર કર્યો છે અને બંને દેશ વચ્ચેના સંબંધોમાં ભારતીય સમુદાય પ્રેરણાદાયી છે.

ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને યુકે લાંબો અને જટિલ ઇતિહાસ ધરાવે છે. અમે અમારી સમાનતાઓ સાથે ઇતિહાસને સકારાત્મક પરિબળ બનાવવા ઇચ્છીએ છીએ જેથી ઇતિહાસ આપણા માટે કામ કરે.

યુકેની મુલાકાત દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુકેના ટોચના નેતાઓ સાથે બેઠકો યોજી બ્રિટનમાં પ્રવર્તતા ખાલિસ્તાન તરફી કટ્ટરવાદ અંગે ચિંતા વ્યક્ત કરતાં વાણી સ્વતંત્રતાના થતા દુરૂપયોગ મુદ્દે સાવધાન રહેવા અપીલ કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, અમે ઘણા લાંબા સમયથી કટ્ટરવાદ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. કેટલીકવાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિંસક પ્રવૃત્તિ પણ કરાય છે.

વડાપ્રધાન રિશી સુનાક સાથે મુલાકાત કરી જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છા પાઠવી હતી. ભારત અને યુકે વચ્ચે મજબૂત બની રહેલા સંબંધો પર બંનેએ સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાએ 2030 માટેના રોડમેપના અમલ અને ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર ચાલી રહેલી ચર્ચાની સમીક્ષા કરી હતી.

ભારત રવાના થતા પહેલાં જયશંકરે લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે યુકેના કેબિનેટ મંત્રીઓ અને વિપક્ષના નેતાઓ સાથે વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, અમે યુકેની સરકારને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે અમે પણ લોકશાહી તરીકે વાણી સ્વતંત્રતાના મહત્વને સમજીએ છીએ  પરંતુ તેમણે તેના દુરૂપયોગ સામે સાવધ રહેવું જોઇએ.

ભારતે ખાલિસ્તાની હિંસાખોરોની માહિતી યુકે સરકાર પાસે માગી

માર્ચ મહિનામાં લંડનમાં ખાલિસ્તાન સમર્થકોના દેખાવોમાં ભારતીય હાઇ કમિશન ખાતે હિંસામાં સંડોવાયેલા શંકાસ્પદો અંગેની માહિતી ભારત સરકારે યુકે પાસે માગી છે. ભારતની તપાસ એજન્સી એનઆઇએએ યુકેના સત્તાવાળાઓને મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી અંતર્ગત આ માહિતી માગી છે.આ કરાર અંતર્ગત બંને દેશ એકબીજા પાસે અપરાધમાં સંડોવાયેલા વ્યક્તિ સામેના પુરાવાની માગ કરી શકે છે. આ કેસની વધુ માહિતી મેળવવા માટે ભારતની એજન્સીએ એમએલએટી અંતર્ગત 24 સવાલ મોકલી આપ્યાં છે. જે અંતર્ગત દેખાવો, તેના આયોજકો, તેમની ઓળખ અને પરવાનગી અંગે માહિતી માગવામાં આવી છે. એનઆઇએ આજ પ્રકારની માહિતી અમેરિકા પાસેથી માગવાની પણ તૈયારી કરી રહી છે.

8મી સદીની ચોરાયેલી મનાતી યોગિની પ્રતિમાઓ ભારતને સોંપાઇ

લંડન સ્થિત ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરને 8મી સદીની મનાતી બે યોગિની પ્રતિમાઓ સોંપવામાં આવી હતી. આ બંને પ્રતિમાને ભારત પરત લઇ જવાશે. આ બંને પ્રતિમા ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના એક મંદિરમાંથી ચોરવામાં આવી હોવાનું મનાય છે. યોગિની ચામુંડા અને યોગિની ગૌમુખીની આ પ્રતિમા ઇંગ્લેન્ડના એક ગાર્ડન શેડમાંથી મળી આવી હતી.

ભારતમાંથી ગેરકાયદેસર રીતે ઘણી પ્રાચીન પ્રતિમાએ વિદેશોમાં મોકલી દેવાઇ હોવાનું નોંધતા જયશંકરે જણાવ્યું હતું કે, કાયદા એજન્સીઓના સહકાર અને આ સેક્ટરમાં કામ કરતા લોકોના સહયોગથી આ પ્રતિમાઓ ભારતને સોંપાઇ છે. મ્યુઝિયમો અને અન્ય સંસ્થાઓએ આ પ્રકારની ચોરાયેલી પ્રાચીન વસ્તુઓ તેના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે સુનિશ્ચિત કરવું જોઇએ.

જયશંકરે જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક આપલે કાયદેસર, પારદર્શક અને નિયમ આધારિત હોય તે મહત્વનું છે. જ્યારે પણ તેનું ઉલ્લંઘન થાય છે અને તેમાં સુધારો કરાય છે ત્યારે મને લાગે છે કે આ એક એવો મેસેજ છે કે આજના વિશ્વમાં આ પ્રકારની પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી.

યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આપણો વારસો સ્વદેશ પરત ફરે તે માટે અમે સરળ, સ્વીકાર્ય અને સર્વસંમત ઉકેલ લાવવા ઇચ્છીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter