લંડનઃ જરીપુરાણી ટેકનોલોજીના કારણે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને સરકાર સમર્થિત લોન ગુમાવવી પડે તેવું જોખમ સર્જાયું છે. સ્ટુડન્ટ ફાઇનાસ કુઆન્ગો ખાતેની ટેકનોલોજી ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે.
એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપસને સ્ટુડન્ટ લોન્સ કંપનીને તેની આઇટી સિસ્ટમોમાં ધરમૂળથી બદલાવ કરવાના આદેશ જારી કર્યાં છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન માને છે કે કોમ્પ્યુટરો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કામગીરી સુધારી શકાય છે કારણ કે જરીપુરાણી ટેકનોલોજીના કારણે ફક્ત 45 ટકા સ્ટાફ જ કામગીરી પુરી કરી શકે છે.
હાલમાં સ્ટાફ દ્વારા 8 અલગ અલગ આઇટી સિસ્ટમમાં મેન્યુઅલી ડેટા અપલોડ કરવામાં આવે છે. તેમાંથી 6 સિસ્ટમ જરીપુરાણી ટેકનોલોજી પર કામ કરી રહી છે. આ સિસ્ટમો ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે. તેના કારણે લાખો વિદ્યાર્થીઓને લોનથી વંચિત રહેવું પડી શકે છે અને તેમનો પર્સનલ ડેટા પણ જોખમમાં મૂકાઇ શકે છે.
સિસ્ટમનું આધુનિકીકરણ નહીં કરવાના કારણે એસએલસીના ખર્ચમાં છેલ્લા 4 વર્ષમાં 60 ટકાનો વધારો પણ થઇ ચૂક્યો છે. ફિલિપસનનું માનવું છે કે ઘણા કામ ઓટોમેટિક થઇ શકે છે જેથી ખર્ચમાં ઘટાડો થશે અને કર્મચારીઓની સંખ્યા પણ ઘટાડી શકાશે.