લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ હાઉસ ઓફ કોમન્સમાં ટ્રાઈડન્ટ-ન્યુક્લીઅર વેપન્સ રીન્યુઅલની મતદાન ચર્ચામાં આક્રમક વલણ દર્શાવી સ્પષ્ટ કર્યું હતું કે આખરી ઉપાય તરીકે ન્યુક્લીઅર બટન દબાવવા માટે તેમની તૈયારી છે. લેબરનેતા જેરેમી કોર્બીનના વિરોધ વચ્ચે પણ ટ્રાઈડન્ટ રીન્યુઅલને ૪૭૨ વિરુદ્ધ ૧૧૭ મતનું સમર્થન હાંસલ થયું હતું. લેબર પાર્ટીના સાંસદોએ જ પક્ષના નેતા કોર્બીન પર આકરા પ્રહારો કર્યા હતા.
વડા પ્રધાન થેરેસા મે અને લેબર નેતા જેરેમી કોર્બીન ટ્રાઈડન્ટ રીન્યુઅલ ચર્ચામાં સામેલ થયાં હતાં. ટ્રાઈડન્ટતરફી વડા પ્રધાને કહ્યું હતું કે આખરી ઉપાય તરીકે અણુશસ્ત્રો લોન્ચ કરીને નિર્દોષ લોકોને મારી નાખવાની પણ તેમની તૈયારી છે. લેબર પાર્ટીના નેતૃત્વ માટે કોર્બીનના હરીફો એન્જેલા ઈગલ અને ઓવેન સ્મિથ પણ ટ્રાઈડન્ટતરફી છે. ટ્રાઈડન્ટ જેવાં અણુઅવરોધ માટે કોમન્સમાં ૪૭૨ વિરુદ્ધ ૧૧૭ મતનું સમર્થન મળ્યું હતું. લેબર પાર્ટીના ૧૩૮ જેટલા સાંસદોએ સરકારી પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
વડા પ્રધાન મેએ નોર્થ કોરિયા જેવા દેશો અને ત્રાસવાદી જૂથો તરફથી બ્રિટનને જોખમ વધ્યું હોવાની ચેતવણી આપી અણુશસ્ત્રો પડતા મૂકવાનો જુગાર નહિ રમવા સાંસદોને અનુરોધ કર્યો હતો. વિનાશક શસ્ત્રો લોન્ચ કરી હજારો નિર્દોષ સ્ત્રી-પુરુષો અને બાળકોને તેઓ મારી નાખશે તેવો પડકાર ફેંકાતા તેમણે કહ્યું હતું કે,‘હા. મારે તમને કહેવાનું છે કે આપણા દુશ્મનોએ જાણી લેવાની જરૂર છે કે આપણે આ માટે તૈયાર છીએ એ જ અણુઅવરોધનો મુદ્દો છે.’


