જરૂરતમંદ લોકોને આવાસ માટે ૨૭૪ કાઉન્સિલને સહાય મળશે

Tuesday 22nd September 2020 15:26 EDT
 

લંડનઃ હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે ફંડિંગની ફાળવણીની ૧૭મી સપ્ટેમ્બરે કરેલી જાહેરાતને લીધે આ વર્ષે હજારો લોકોને આવાસ મળશે. અતિ જરૂરતમંદ લોકોને કામચલાઉ આવાસ મળે તે સુનિશ્ચિત કરવા તથા પ્રાઈવેટ રેન્ટેડ સેક્ટરના લોકોને મદદ માટે ૨૭૪ લોકલ કાઉન્સિલને ૯૧.૫ મિલિયન પાઉન્ડ અપાશે. લોકલ ઓથોરિટીઝ નવા અથવા ઉભરી રહેલા પડકારોને પહોંચી વળે તે માટે વધારાના ૧૩.૫ મિલિયન પાઉન્ડ ખર્ચાશે.

હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે મહામારી દરમિયાન રફ સ્લીપર્સને સહાય કરવાના રાષ્ટ્રીય પ્રયાસને લીધે ઘણાં લોકોના જીવનનું રક્ષણ થઈ શક્યું છે. આ યોજનાને વિશ્વમાં આ પ્રકારની સૌથી સફળ યોજના પૈકીની એક ગણવામાં આવી રહી છે.

હાલ ઈમરજન્સી એકોમોડેશનમાં રહેતા અથવા રફ સ્લીપિંગ-ગમે ત્યાં સૂઈ રહેતા લોકોને આ વર્ષે વધારાના ૩,૩૦૦ સપોર્ટેડ હોમ્સ આપવા વધારાના ૧૬૧ મિલિયન પાઉન્ડનું ફંડ પૂરું પાડવા માટેની અરજીઓ પર પણ અલગથી વિચારણા કરવામાં આવી રહી છે. બિડીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં સફળ બિડની જાહેરાત કરાશે. આ બિડ ચાર વર્ષમાં આ પ્રકારના ૬,૦૦૦ મકાનો પૂરા પાડવાની સહાયના ભાગરૂપ છે. ‘નેક્સ્ટ સ્ટેપ્સ એકોમોડેશન પ્રોગ્રામ’ રફ સ્લિપિંગનો અંત લાવવાના સરકારના સીમાચિહ્ન વચનના ભાગરૂપે છે.

મિનિસ્ટર ફોર રફ સ્લીપિંગ એન્ડ હાઉસિંગ કેલી ટોલહર્સ્ટે જણાવ્યું કે આ ફંડિંગથી હજારો જરૂરતમંદ લોકોના જીવનમાં પરિવર્તન આવશે. તેઓ સ્ટ્રીટ્સમાંથી સલામત કામચલાઉ આવાસમાં રહી શકશે અને તેમના જીવનનું પુનઃઘડતર કરી શકશે. તેમણે રફ સ્લીપિંગ ટાસ્કફોર્સ, કાઉન્સિલ અને મદદરૂપ થનાર તમામની પ્રસંશા કરી હતી. તેમણે ઉમેર્યું કે હાલ આપણે સૌ સાથે મળીને રફ સ્લીપિંગનો અંત લાવવા અને હોમલેસનેસનું વિષચક્ર કાયમ માટે તોડવા જરૂરી સપોર્ટ પૂરો પાડી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter