લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિગી એવોર્ડ્સ સમારોહમાં જલંધરના બાળ ટેકનોક્રેટ મીધાંશકુમાર ગુપ્તાને સન્માનિત કરાયો હતો. આ એવોર્ડ 15 વર્ષથી નાના અસામાન્ય પ્રતિભા ધરાવતા બાળકોને અપાય છે. આ પ્રસંગે ટોપ 100 ચાઇલ્ડ પ્રોડિગી 2025 પુસ્તકનું અનાવરણ કરાયું હતું. સાંસદ ગેરેથ બેકોન દ્વારા સમગ્ર વિશ્વમાંથી આવેલા પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરાયાં હતાં.
આ એવોર્ડ માટે 130 દેશમાંથી હજારો નોમિનેશન પ્રાપ્ત થયાં હતાં. મીધાંશનો સમાવેશ તેમાંથી પસંદ કરાયેલા 100 બાળકોમાં કરાયો હતો. એજ્યુકેશન અને ટેકનોલોજીમાં મીધાંશના યોગદાન માટે તેને સન્માનિત કરાયો હતો.
મીધાંશે ફક્ત 9 વર્ષની ઉંમરે કોરોના મહામારી દરમિયાન ટેલિમેડિસિન પોર્ટલ તૈયાર કર્યું હતું. પોતાની કુશળતાનો સમાજ કલ્યાણમાં ઉપયોગ કરવા માટે મીધાંશને સંખ્યાબંધ એવોર્ડ એનાયત થઇ ચૂક્યાં છે. 2020માં તેને યંગેસ્ટ વેબસાઇટ ડેવલપરનો ખિતાબ અપાયો હતો.