લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય સામે ૧૯૧૯ના અમૃતસર -જલિયાવાલા નરસંહારનો બદલો લેવા તેમની હત્યાની ધમકી આપનારા ૧૯ વર્ષીય શીખ યુવાન જસવંતસિંહ ચૈલની મેન્ટલ હેલ્થ કાયદા હેઠળ ધરપકડ કરી લેવાઈ છે. મહારાણી એલિઝાબેથ ક્રિસમસ ઉજવવા વિન્ડસર કેસલ પહોંચ્યા હતા. આ સમયે જ જસવંતસિંહ તીર કામઠું લઇને પેલેસની દીવાલ ઠેકીને પ્રાંગણમાં ઘૂસી ગયો હતો. પેલેસના ગ્રાઉન્ડમાં જસવંતની ધરપકડ કરાઈ તેની ૨૪ મિનિટ પહેલા જ ક્વીનની હત્યાની ધમકી આપતો આઘાતજનક પ્રી-રેકોર્ડેડ વીડિયો ક્રિસમસની સવારે ૮.૦૬ ના સમયે સ્નેપચેટ પર અપલોડ કરાયો હતો.
સાઉધમ્પ્ટનનો જસવંતસિંહ ચૈલ વર્ષ ૧૯૧૯માં અમૃતસરમાં થયેલા નરસંહારનો બદલો લેવા માટે મહારાણીને મારવા પહોંચ્યો હતો. જસવંતને ડૉકટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને પોલીસ તેના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે આ હુમલાખોરને સીસીટીવીમાં મહેલના ગાર્ડનમાં ફરતો પકડી પાડ્યો હતો. તે બહારની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યો હતો. આ ઘટનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં હુમલાખોર જસવંત સિંહ તીર કામઠા લઇને સજ્જ દેખાઇ રહ્યો છે. મિત્રોમાં જસ નામે ઓળખાતા જસવંતસિંહે પોતાનો અવાજ બદલવા માટે ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો. તે ઓળખ છુપાવવા સ્ટાર વેર્સમાંથી પ્રેરણા મેળવી હુડી અને માસ્ક પહેરી વીડિયો કેમેરા સામે આવ્યો હતો.
ધ સનના રિપોર્ટ પ્રમાણે તેણે વીડિયોમાં કહ્યું કે મને માફ કરી દો. હું જે પણ કંઇ કરી રહ્યો છું તેના માટે માફ કરો અને હું જે પણ કંઇ કરીશ તેના માટે પણ માફ કરો. હું એલિઝાબેથ, ક્વીન ઓફ રોયલ ફેમિલીની હત્યા કરવાનો પ્રયાસ કરીશ. આ ૧૯૧૯ના જલિયાવાલા બાગ નરસંહારમાં મૃત્યુ પામેલા લોકોનો બદલો છે. આ એવા લોકો માટેનો પણ બદલો છે જેમની હત્યા થઈ છે, અપમાનિત કરાયા છે અને જાતિના કારણે ભેદભાવ કરાયો છે. હું એક ભારતીય શીખ છું. મારું નામ જસવંત સિંહ ચૈલ છે, મારું નામ ડાર્થ જોન્સ છે. આ વીડિયો સિવાય સ્નેપચેટ પર એક મેસેજ પણ આપ્યો હતો. તેમાં કહ્યું હતું કે જે લોકોની સાથે મેં ખોટું કર્યું અથવા જેમની સાથે જુઠ્ઠું બોલ્યો, તે લોકો મને માફ કરી દો. ઉલ્લેખનીય છે કે જલિયાવાલા બાગ નરસંહારમાં ૩૭૯ લોકોને અંગ્રેજોએ ગોળીથી વીંધી નાંખ્યા હતા અને ૧૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.


