લંડનઃ લેબર સાંસદ જસ અઠવાલે નોર્થ-ઇસ્ટ લંડનની રેડબ્રિજ કાઉન્સિલના કાઉન્સિલર પદેથી રાજીનામુ આપી દીધું છે. જોકે આ રાજીનામા માટે કોઇ કારણ અપાયું નથી. થોડા મહિના પહેલાં જસ અઠવાલ દ્વારા ભાડે અપાતા મકાનોની બદતર સ્થિતિની આકરી ટીકા કરાઇ હતી.
લંડનની લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જસ અઠવાલે મેફિલ્ડ વોર્ડના કાઉન્સિલર પદેથી રાજીનામુ આપી દીધું છે અને પેટાચૂંટણી 27 માર્ચના રોજ યોજાશે. જુલાઇ 2024માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં અઠવાલ ઇલફોર્ડ સાઉથ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
કાઉન્સિલર તરીકેના કાર્યકાળમાં અઠવાલે નવા મકાનોના નિર્માણની કામગીરી સંભાળી હતી પરંતુ રેડબ્રિજ કાઉન્સિલ લક્ષ્યાંક પૂરો કરવામાં ઘણી પાછળ હતી. અઠવાલના પોતાની માલિકીના રેન્ટલ મકાનોની બદતર સ્થિતિ સામે આવતાં તેમના રાજીનામાની માગ ઉઠી હતી.