લંડનઃ ધ બીટલ્સ, ટેલર સ્વિફ્ટ અને એડ શીરન જેવા જાણીતા કલાકારોના નકલી રેકોર્ડ્સ બનાવીને 2.7 મિલિયન પાઉન્ડની કમાણી કરનાર ભેજાબાજ રિહાન એહમદને ત્રણ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
સાઉથોલ, વેસ્ટ લંડનના ક્રેનલી ગાર્ડન્સ ખાતે રહેતા 40 વર્ષીય રિહાન અહેમદને શુક્રવારે ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવી હતી. સિટી ઓફ લંડન પોલિસે આ બાબતને લાંબા સમયથી ચાલતી, અત્યંત સુનિયોજિત અને સંપૂર્ણપણે ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ કામગીરી ગણાવી હતી.
ડિટેક્ટીવ કોન્સ્ટેબલ ડેરીલ ફ્રાયટે જણાવ્યું હતું કે અહેમદે પોતાના અંગત સ્વાર્થ માટે મ્યુઝિકના ફરી વધી રહેલા ક્રેઝનો દુરુપયોગ કર્યો હતો. તેની પાસેથી પોલીસે રેકોર્ડ્સનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં અડેલ, એરિયાના ગ્રાન્ડે, બેડ બન્ની, ડ્રેક, બિયોન્સે અને રિહાના સહિત 108 કલાકારોની 2,791 નકલી રેકોર્ડ્સ મળી આવી હતી.


