લંડનઃ જાતીય સતામણી અને માનવ તસ્કરીના કેસમાં આરોપી એવા ભારતીય વકીલ વિજય અગ્રવાલને જામીન આપવાનો લંડનની અદાલતે ઇનકાર કરી દીધો છે. અગ્રવાલ બ્રિટનમાં મજબૂત સંબંધો ન ધરાવતા હોવાના કારણે તેઓ દેશ છોડીને નાસી જાય તેવી સંભાવના વધુ હોવાથી જામીન નકારાયા છે.
અગ્રવાલ પર આરોપ છે કે તેમણે સુનિયોજિત રીતે નોકરી માટે આવેલી મહિલાઓની જાતીય સતામણી કરી હતી. તેમના પર ગુનાહિત કમાણી રાખવા જેવા ગંભીર આરોપો પણ સામેલ કરવામાં આવ્યા છે. જજ અલેક્ઝાન્ડર મિલને નોંધ્યું હતું કે, અગ્રવાલે ભરતી ઝુંબેશનો ઉપયોગ એક છટકબારી તરીકે કર્યો હતો જેથી યુવાન મહિલાઓને પોતાની જાળમાં ફસાવી શકાય. પોતાના પદ, પૈસા અને સત્તાનો દુરુપયોગ કરનાર આ વ્યક્તિ ભારત ભાગી જાય તો ભારતમાંથી તેનું પ્રત્યર્પણ કરવું અત્યંત જટિલ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. અદાલતે જામીન અરજી ફગાવી દેતા અગ્રવાલને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.


