જાન્યુ. - ફેબ્રુઆરીમાં રોજ બપોરના 4 થી સાંજના 7 વીજકાપ લદાશે – નેશનલ ગ્રીડ

વીજળી બચાવનાર પરિવારો અને કંપનીઓને વળતર આપવા ગ્રીડની તૈયારી

Wednesday 19th October 2022 05:02 EDT
 
 

લંડન

નેશનલ ગ્રીડના વડાએ ચેતવણી આપી છે કે જો ગેસની અછત સર્જાશે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દેશમાં દરરોજ 3 થી 4 કલાક વીજકાપ લાદવામાં આવશે. જ્હોન પેટ્ટીગ્રુએ જણાવ્યું હતું કે યુરોપમાંથી ગેસનો પૂરતો પૂરવઠો પ્રાપ્ત નહીં થાય તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રોલિંગ પાવર કટ લાગુ કરાશે. દેશના ગેસ આધારિત પાવર પ્લાન્ટ ગેસની મોટી અછતનો સામનો કરી રહ્યાં છે. પવનની ઓછી ગતિને કારણે વિન્ડ ટર્બાઇન ઓછી વીજળી પેદા કરી રહ્યાં છે અને યુરોપમાંથી આયાત થતી વીજળી પણ ઘટી છે. જેના કારણે ગ્રીડ પર દબાણ સર્જાઇ રહ્યું છે. વીજળીની સર્જાઇ રહેલી અછતના કારણે વીજકાપ અનિવાર્ય બની જશે. જોકે વીજકાપ માટે સરકાર ઉપરાંત કિંગ ચાર્લ્સ ત્રીજાની મંજૂરી લેવી પડશે.

એનર્જી રેગ્યુલેટર ઓફજેમે પણ બ્રિટિશ પરિવારોને શક્ય હોય ત્યાં ગેસ અને વીજળીની બચત કરવાની અપીલ કરી છે જેથી શિયાળામાં વીજકાપના જોખમથી બચવામાં મદદ મળી શકે. નેશનલ ગ્રીડ વીજળીના મર્યાદિત સપ્લાયના સમયગાળામાં વીજળીની બચત કરનારા પરિવારો અને કંપનીઓને વળતર આપવાની સ્કીમ પણ તૈયાર કરી રહી છે.

એપ્રિલમાં વીજળીના બિલ 5000 પાઉન્ડને આંબી જવાની ભીતિ

નવા ચાન્સેલર જેરેમી હન્ટે એનર્જી કેપને બે વર્ષથી ઘટાડી 6 મહિનાની કરી નાખતાં લાખો પરિવારો પર તોતિંગ વીજળી બિલનું જોખમ સર્જાયું છે. નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે વીજળીના સરેરાશ બિલ 5000 પાઉન્ડ પર પહોંચી શકે છે. એપ્રિલમાં સરેરાશ પરિવારનું વીજળીનું બિલ 73 ટકા વધીને 4350 પાઉન્ડ પ્રતિ વર્ષ પર પહોંચી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter