લંડનઃ જાન્યુઆરી 2024થી યુકેની સરકાર ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. આ અંગેનો ખરડો બ્રિટિશ સંસદમાં રજૂ કરાયો છે અને આ વધારો 16 જાન્યુઆરી 2024 અથવા તો ખરડાને સંસદની મંજૂરી મળ્યાના 21 દિવસ બાદ લાગુ થશે.
આ વધારાના કારણે મોટાભાગના લોકો માટે ઇમિગ્રેશન હેલ્થ કોસ્ટ વાર્ષિક 624 પાઉન્ડથી વધીને 1035 પાઉન્ડ પર પહોંચી જશે. વિદ્યાર્થીઓ માટે આ કોસ્ટ 470 પાઉન્ડથી વધીને 776 પાઉન્ડ થશે. આ સરચાર્જ અરજકર્તાએ અરજી કરતી વખતે અથવા તો યુકેમાં વસવાટ દરમિયાન ચૂકવવો પડશે
કાયદા કંપની મોર્ગન લૂઇસે જણાવ્યું હતું કે, નોકરીદાતાઓ ઊંચો સરચાર્જ ટાળવા માટે બદલાવ અમલમાં આવે તે પહેલાં જ અરજીઓ દાખલ કરી દેવા ઇચ્છશે. તે ઉપરાંત તેઓ સ્પોન્સરશિપનો સમયગાળો પણ લાંબો રાખશે. સ્કીલ્ડ વર્કર્સ અને ગ્લોબલ બિઝનેસ મોબિલિટી વિઝા માટેની અરજીઓ ઇમિગ્રન્ટના યુકેમાં પ્રવેશની પ્રસ્તાવિત તારીખથી 3 મહિના પહેલાં કરી શકાય છે.
વિદેશી કામદારોની પગાર મર્યાદા 30,000 પાઉન્ડ કરવા કવાયત
સુધારેલી યોજના અંતર્ગત હવે વિદેશી કામદારો માટે બ્રિટનમાં આવવા માટે 30,000 પાઉન્ડથી વધારેનું વેતન ફરજિયાત કરાશે. આ વર્ષે નેટ માઇગ્રેશન પાંચ લાખની આસપાસ રહે તેવી સંભાવના છે. સ્કીલ્ડ વર્કર્સ માટે પગાર મર્યાદા વધારીને સરકાર નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવા માગે છે અને આ અંગેના પ્રસ્તાવ સરકાર તૈયાર કરી રહી છે. હાલમાં યુકેમાં આવતા સ્કીલ્ડ વર્કર્સ માટેની પગાર મર્યાદા 26,200 પાઉન્ડ છે.

