લંડનઃ હોમ ઓફિસે જાન્યુઆરી 2025થી વિવાદાસ્પદ બીબી સ્ટોકહોમ અસાયલમ હોસ્ટેલ બંધ કરવાની જાહેરાત કરી છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, હાલમાં ડોરસેટના પોર્ટલેન્ડ ખાતે લાંગરાયેલા આ બાર્જ માટેનો કોન્ટ્રાક્ટ રીન્યૂ નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો છે. તેના કારણે આગામી વર્ષે સરકારને 20 મિલિયન પાઉન્ડની બચત થશે.
બીબી સ્ટોકહોમ બાર્જમાં 500 વ્યક્તિને સમાવવાની ક્ષમતા છે. ગયા ઉનાળામાં રાજ્યાશ્રયવાંચ્છુ માઇગ્રન્ટ્સને રાખવા માટે આ બાર્જને સરકારે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું હતું.
બોર્ડર સિક્યુરિટી એન્ડ અસાયલમ મિનિસ્ટર ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, બાર્જનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આગામી દાયકામાં યુકેના અસાયલમ બેકલોગને પુરો કરીને 7 બિલિયન પાઉન્ડની બચત કરવાની યોજનાના ભાગરૂપે લેવાયો છે. અમે અસાયલમ સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છીએ જેથી તે અસરકારક રીતે કામ કરતી રહે.
હોમ સેક્રેટરીએ પણ રાજ્યાશ્રયના બેકલોગને ક્લિયર કરવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે. જેથી માઇગ્રન્ટ્સ પાછળ થઇ રહેલા ખર્ચને ઘટાડીને કરદાતાઓના નાણાનો બગાડ અટકાવી શકાય.

