જાન્યુઆરી 2026થી બાળકો માટે રસીકરણ પ્રોજેક્ટનો પ્રારંભ

ઇંગ્લેન્ડમાં આરોગ્ય કર્મચારીઓ ઘેર ઘેર ફરીને બાળકોને ઘાતકી બીમારીઓ સામે રક્ષણ આપતી રસી આપશે

Tuesday 06th January 2026 09:23 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં આરોગ્ય કર્મચારીઓ ઘેર ઘેર ફરીને બાળકોને રસી આપશે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દર પાંચમાંથી એક બાળક ઘાતકી રોગો સામે સંરક્ષણ ધરાવતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ અનુસાર હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરવા માટે દરેક બીમારી માટે ઓછામાં ઓછા 95 ટકા બાળકોને રસી અપાવી જોઇએ. ઇંગ્લેન્ડમાં આ ટાર્ગેટ ક્યારેય હાંસલ કરી શકાયો નથી.

જાન્યુઆરી 2026થી સરકાર રસીકરણ માટે 2 મિલિયન પાઉન્ડનો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ઘેર ઘેર જઇને બાળકોને જીવન સંરક્ષક રસીઓ આપશે. આ આરોગ્ય કર્મીઓમાં નર્સ અને મિડવાઇફ સામેલ હશે. તેમને પાંચ વર્ષથી નાના બાળકોની આરોગ્ય જરૂરીયાતોની ઓળખ કરવાની વિશેષ તાલીમ આપવામાં આવી છે.

એનએચએસ દ્વારા જીપીના રેકોર્ડ, આરોગ્ય કર્મચારીઓની નોંધ અને સ્થાનિક આંકડાઓના આધારે રસી માટે યોગ્ય બાળકોની ઓળખ કરાશે.

ઇંગ્લેન્ડના પાંચ વિસ્તાર લંડન, મિડલેન્ડ્સ, નોર્થ-ઇસ્ટ યોર્કશાયર, નોર્થ-વેસ્ટ અને સાઉથ વેસ્ટ એમ 12 પાયલોટ એરિયામાં રસીકરણનો આ કાર્યક્રમ શરૂ કરાશે. આ વિસ્તારોમાં સફળતા મળ્યા બાદ 2027થી સમગ્ર દેશમાં આ પ્રોજેક્ટ અમલી બનાવાશે.

હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, દરેક વાલીને તેમના બાળકને અટકાવી શકાય તેવી બીમારીઓ સામે રક્ષણ આપવાની તક મળવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter