લંડનઃ છેલ્લા એકાદ વર્ષથી UK વિદેશીઓની સંખ્યામાં ધરખમ કાપ મૂકવા પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં એક પછી એક ફેરફાર કરી રહ્યું છે તેવામાં હવે અમુક પ્રકારના માઈગ્રન્ટ્સને માટે યુકેમાં કામ કરવા માટે જવું મુશ્કેલ બનશે. યુકેની સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર અમુક પ્રકારની નોકરીઓ માટે એપ્લાય કરતા વિદેશીઓને જો એ-લેવલ સ્ટાન્ડર્ડનું ઈંગ્લિશ બોલતા નહીં આવડતું હોય તો તેમને વિઝા નહીં મળી શકે.
આ અંગેના નવા નિયમ 08 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાના છે જેની સીધી અસર કેટલાક ગ્રેજ્યુએટ્સ તેમજ સ્કિલ્ડ વર્કર તરીકે અને સ્કેલ-અપ વિઝા માટે અપ્લાય કરતા લોકોને પડશે.
હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, યુકે આવવા ઇચ્છતા લોકોને ઈંગ્લિશ શીખવું પડશે અને ઈકોનોમીમાં પોતાનું પ્રદાન પણ આપવું પડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુકેના કલ્ચર તેમજ ઈકોનોમીમાં પ્રદાન આપતા લોકોનું આ દેશમાં હંમેશા સ્વાગત છે.
તેમણે જણાવ્યું હતું કે, જોકે, જે લોકો ઈંગ્લિશ શીખ્યા વિના આવે છે અને જે યુકેની નેશનલ લાઈફમાં કોઈ પ્રદાન આપી શકે તેમ નથી તેમની હવે યુકેને જરૂર નથી. આ નવો નિયમ અમલમાં આવ્યા બાદ એપ્લિકન્ટને ઈંગ્લિશનું કેટલું નોલેજ છે તે ચેક કરવા માટે તેની સ્પિકિંગ, લિસનિંગ, રિડિંગ તેમજ રાઈટિંગની હોમ ઓફિસ અપ્રુવ્ડ પ્રોવાઈડર્સ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે અને તેના રિઝલ્ટને વિઝા પ્રોસેસના ભાગરૂપે ચેક પણ કરવામાં આવશે.
જે લોકો સ્કીલ્ડ વર્કર, સ્કેલ-અપ અને હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિજ્યુઅલ એટલે કે HPI વિઝા માટે એપ્લાય કરશે તેમને ઈંગ્લિશમાં B2 લેવલ પ્રાપ્ત કરવું પડશે, જે હાલના B1 સ્ટાન્ડર્ડથી એક સ્ટેપ ઉપર છે અને GCSEની સમાંતર છે.
જાન્યુઆરી 2026થી જે લેંગ્વેજ રિક્વાયર્મેન્ટ લાગુ થવા જઈ રહી છે તેની સૌથી વધુ અસર ટેકનિકલ અને મેન્યુઅલ સ્કીલ્સવાળી મિડલ-સ્કીલ્ડ જોબ્સ પર જોવા મળશે, આ જોબ્સમાં અત્યારસુધી હાઈ લેંગ્વેજ પ્રોફિશિયન્સીની જરૂર નહોતી પડતી પરંતુ હવે આવી નોકરી કરવી હશે તો ફ્લુઅન્ટલી ઈંગ્લિશ બોલવું પડશે.
સ્કીલ્ડ વર્કર વિઝા માટે લઘુત્તમ વાર્ષિક પગાર 41,700 પાઉન્ડ જરૂરી
સ્કીલ્ડ વર્કર વિઝા પર યુકે આવનારા માઈગ્રન્ટ્સને ગવર્મેન્ટ અપ્રુવ્ડ એમ્પ્લોયરને ત્યાંથી જોબ ઓફર મેળવવાની હોય છે અને તેમનો એક વર્ષનો પગાર કમસેકમ 41,700 પાઉન્ડ હોવો પણ જરૂરી છે.
યુકેના ફાસ્ટ-ગ્રોઈંગ બિઝનેસમાં કામ કરવા માગતા માઈગ્રન્ટ્સને સ્કેલ-અપ વિઝા માટે એપ્લાય કરવાનું રહે છે, જ્યારે ટોપ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી છેલ્લા પાંચ વર્ષમાં પાસઆઉટ થયેલા માઈગ્રન્ટ્સ હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિજ્યુઅલ વિઝા માટે એપ્લાય કરી શકે છે.
જાન્યુઆરી 2027થી ગ્રેજ્યુએટ થનારા વિદેશી સ્ટુડન્ટ્સને નોકરી માટે 18 મહિના જ મળશે
જાન્યુઆરી 2027થી યુકેમાં ગ્રેજ્યુએટ થતાં સ્ટૂડન્ટ્સને બે વર્ષને બદલે દોઢ વર્ષ જ રહેવા અને કામ કરવા મળશે. આ ઉપરાંત સ્ટૂડન્ટ્સને હાયર ફાઈનાન્શિયલ રિક્વાયર્મેન્ટ્સને પણ ફુલફીલ કરવી પડશે જેમાં નવ મહિના માટે માસિક 1,171 પાઉન્ડના હિસાબે બેલેન્સ બતાવવું પડશે.


