જાન્યુઆરી-માર્ચ 2023માં આયર્લેન્ડે સૌથી વધુ વર્ક પરમિટ ભારતીયોને જારી કરી

કુલ જારી કરાયેલી 7264 વર્ક પરમિટમાંથી ભારતીયોના ફાળે 2894 પરમિટ

Tuesday 25th April 2023 13:57 EDT
 
 

લંડન - આઇરિશ ડિપાર્ટમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝના આંકડા અનુસાર 2023ના પ્રથમ 3 મહિનામાં આયર્લેન્ડ દ્વારા ભારતીય નાગરિકોને સૌથી વધુ વર્ક પરમિટ જારી કરાઇ છે. જાન્યુઆરીથી 31 માર્ચ સુધી જારી કરાયેલી કુલ 7264 વર્ક પરમિટ પૈકીની 2894 વર્ક પરમિટ ભારતીય નાગરિકોના ફાળે ગઇ છે. જાન્યુઆરીમાં કુલ 2525 વર્ક પરમિટ જારી કરાઇ હતી જેમાંથી લગભગ 50 ટકા એટલે કે 1059 પરમિટ ભારતીયોને ઇશ્યૂ કરાઇ હતી.

ભારત બાદ બીજા સ્થાને બ્રાઝિલના 734 અને ત્રીજા સ્થાને ફિલિપાઇન્સના 663 નાગરિકોને વર્ક પરમિટ જારી કરાઇ હતી. જોકે કુલ 494 અરજીઓ નકારી કાઢવામાં આવી હતી જેમાં સૌથી વધુ 113 ભારતીય નાગરિકોની હતી. 80 અરજી સાથે બ્રાઝિલ બીજા સ્થાને રહ્યો હતો. અંતિમ નિર્ણય લેવાય તે પહેલાં 165 અરજી પાછી ખેંચી લેવાઇ હતી.

સૌથી વધુ વિઝા લેબર શોર્ટેજ અનુભવી રહેલા સેક્ટરો માટે એટલે કે હેલ્થ એન્ડ સોશિયલ વર્ક, આઇટીમાં જારી કરાયા હતા. આયર્લેન્ડની કુલ વસતી 50 લાખ છે અને હાલ આ દેશના વિવિધ સેક્ટરો કામદારોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter