જાન્યુઆરીથી રેલભાડું ૨.૮ ટકા વધશે

Wednesday 21st August 2019 04:37 EDT
 
 

લંડનઃ જાન્યુઆરી ૨૦૨૦થી રેલવેના ભાડાંમાં ૨.૮ ટકાનો વધારો થનાર છે. આ વધારાના કારણે ઘણી વાર્ષિક સીઝન ટિકિટોમાં ૧૦૦ પાઉન્ડથી વધુ ઉમેરો થશે. ટીયુસીના એનાલિસિસ મુજબ ૨૦૦૯થી ટ્રેન પ્રવાસની સમગ્રતયા કિંમતમાં ૪૬ ટકાનો વધારો થયો છે તેની સામે વેતનોમાં માત્ર ૨૩ ટકા વધ્યા છે.

ભાડાંમાં ૨.૮ ટકાનો વધારો નિયંત્રિત ભાડાંમાં મહત્તમ વધારો હશે, જે મોટા ભાગના પ્રવાસી રુટ્સ પર સીઝન ટિકિટ્સ, લાંબા અંતરની ટ્રેનો પર ઓફ-પીક રિટર્ન્સ અને મોટા શહેરોની આસપાસ એનીટાઈમ ટિકિટ્સ સહિત લગભગ અડધી રેલયાત્રાને લાગુ પડશે. આ સાથે લીડ્ઝથી માન્ચેસ્ટર સુધીના પ્રવાસમાં વાર્ષિક સીઝન ટિકિટનો દર વધુ ૯૧ પાઉન્ડ ખર્ચાળ બની ૩,૩૬૩ પાઉન્ડ થશે જ્યારે, બ્રાઈટનથી લંડન અથવા એડિનબરાથી ગ્લાસગોની સીઝન ટિકિટ ૧૧૭ પાઉન્ડથી વધુના વધારા સાથે ૪,૨૦૦ પાઉન્ડથી વધી જશે. પ્રવાસીઓ દ્વારા સીઝન ટિકિટના ઉપયોગથી કરાતી યાત્રા ત્રણ વર્ષમાં ૧૨.૫ ટકા ઘટી છે અટલે કે ૨૦૧૫-૧૬માં ૭૧૨ મિલિયન પ્રવાસીથી ઘટી આ વર્ષે ૬૨૫ મિલિયન થઈ છે.

ટીયુસીએ જણાવ્યું છે કે ખાનગી ટ્રેન ઓપરેટરોએ ૨૦૧૭-૧૮માં તેમના શેરહોલ્ડર્સને ૨૦૦ મિલિયન પાઉન્ડનું ડિવિડન્ડ ચુકવ્યું છે અને ૩.૮ બિલિયન પાઉન્ડની જાહેર સબસિડી મેળવી છે. આથી, રેલવેને જાહેર ક્ષેત્રમાં લેવાનો સમય પાકી ગયો છે. લેબર પાર્ટીએ જણાવ્યું છે કે, પેસેન્જર ઓછી અને નબળી સેવા સામે વધુ નાણા ચૂકવે છે. પાર્ટીએ ફ્રેન્ચાઈસીઝ પૂરી થવા સાથે રેલવેને ફરી સરકાર હસ્તક લેવાનું વચન આપ્યું હતું. જોકે, સરકારે ભાવવધારાનો બચાવ કર્યો છે. રેલ મિનિસ્ટર ક્રિસ હીટન-હેરિસે જણાવ્યું હતું કે ભાડાં કદી વધવા જ ન જોઈએ તેમ કહેવું સારું છે પરંતુ, એ વાત પણ સાચી છે કે જો આપણે રેલવેમાં રોકાણો કરવાનું બંધ કરીશું તો કદી સુધારો જોવા મળશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter