લંડનઃ નવા વર્ષના પ્રારંભ સાથે યુકેના હવામાનમાં પણ મોટો પલટો આવ્યો હતો. નવા વર્ષના દિવસે જ તોફાની પવનો સાથેના ભારે વરસાદે ઉજવણીઓ ખોરવી નાખ્યા બાદ વીતેલા સપ્તાહમાં કાતિલ શિયાળાએ જમાવટ કરી લીધી હતી. વ્યાપક હીમવર્ષા અને ફ્રીઝિંગ રેઇનના કારણે નોર્થ ઇંગ્લેન્ડમાં મુખ્ય વિમાનીમથકો ખાતે હવાઇ સેવાઓ ખોરવાઇ ગઇ હતી અને સંખ્યાબંધ સડકો બંધ કરાતાં વાહનવ્યવહાર તેમજ રેલસેવાઓ પર અસર પડી હતી. ગ્રામીણ વિસ્તારો વિખૂટા પડી ગયાં હતાં. નેશનલ ગ્રીડ સિસ્ટમ ખોરવાતાં દેશભરમાં વીજપૂરવઠો ખોરવાઇ જવાની ઘટનાઓ સામે આવી હતી.
નવા વર્ષના પ્રારંભે 1 જાન્યુઆરી બુધવારના રોજ દેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે નવા વર્ષની ઉજવણીઓ ખોરવાઇ ગઇ હતી. સૌથી માઠી અસર માન્ચેસ્ટરમાં થઇ હતી. એક મહિનાનો વરસાદ ફક્ત બે દિવસમાં ખાબકતાં સંખ્યાબંધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતાં. વિપરિત બનેલા હવામાને એડિનબરો અને અન્ય શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણીઓ રદ કરવાની ફરજ પાડી હતી. સમગ્ર યુકેમાં 150 કરતાં વધુ કોમ્યુનિટીમાં પૂરની ચેતવણી જારી કરાઇ હતી. પૂરના પાણી રેલવે ટ્રેક પર ફરી વળતાં સંખ્યાબંધ ટ્રેન રદ કરાઇ હતી. જેના પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાઇ પડ્યાં હતાં. સડકો પર પાણી ભરાઇ જતાં વાહનવ્યવહાર પર પણ માઠી અસર થઇ હતી.
6 જાન્યુઆરીના સોમવારે પણ ભારે વરસાદ અને હીમવર્ષાના કારણે યુકેના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સમસ્યાઓ સર્જાઇ હતી જેના કારણે સેંકડો શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સપડાયેલાં 60થી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડાયાં હતાં.


