જાન્યુઆરીમાં માત્ર વેગન ફૂડ લેવાના વિક્રમજનક ૫૦૦,૦૦૦ લોકોના શપથ

Wednesday 13th January 2021 05:13 EST
 
 

લંડનઃ સમગ્ર જાન્યુઆરી મહિના દરમિયાન છોડ આધારિત ખોરાક લેવાની વેગાન્યુઆરી ચેલેન્જ વિક્રમજનક ૫૦૦,૦૦૦ લોકોએ સ્વીકારી છે. જાન્યુઆરી ૨૦૧૯માં જે લોકોએ આ પ્રતિજ્ઞા લીધી હતી તેના કરતા આ સંખ્યા બમણી છે.
આ ચેલેન્જ સ્વીકારનારા લોકો પૈકી ચોથા ભાગના એટલે કે ૧૨૫,૦૦૦ લોકો યુકેના છે અને આ વર્ષે ટેસ્કો સહિતના બ્રિટિશ સુપરમાર્કેટ્સે પહેલી વખત વેગાન્યુઆરીને પ્રમોટ કરવા માટે ટેલિવિઝન અને રેડિયો એડવર્ટાઈઝમેન્ટ આપી છે. એલડીએલ, અસડા અને આઈસલેન્ડ જેવા અન્ય સુપરમાર્કેટ્સે ૨૦૨૧માં પહેલી વખત માહિતી અને રેસિપી સહિતના પેજીસ તૈયાર કર્યા છે.
ઈન્વેસ્ટમેન્ટ બેંક UBS દ્વારા કરાયેલા નવા સંશોધન મુજબ મીટની જગ્યાએ વેગી બર્ગર અને સોસેજીસ જેવા છોડ આધારિત વિકલ્પો જેવી નવી પ્રોડક્ટ્સ અજમાવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
યુકે, યુએસ અને જર્મનીમાં ૩,૦૦૦ લોકોના સર્વેમાં જણાયું કે વૈકલ્પિક આહાર અપનાવનારા લોકોની ટકાવારી માર્ચ અને નવેમ્બર, ૨૦૨૦ વચ્ચે ૪૮થી વધીને ૫૩ ટકા થઈ હતી. મીટના છોડ આધારિત વિકલ્પો પસંદ કરનારામાંથી અડધા લોકોએ લગભગ એક અઠવાડિયા સુધી તે સતત આહારમાં લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter