લંડન
યુરોપિયન યુનિયનના પેમેન્ટ અને એનર્જી બિલમાં જનતાને સહાયના મસમોટા ખર્ચા છતાં જાન્યુઆરી મહિનામાં સરકારની તિજોરીમાં આશ્ચર્યજનક રીતે આવકમાં વધારો નોંધાયો છે. સરકારની તિજોરીમાં 1999 પછી પહેલીવાર આવકવેરાની વિક્રમજનક આવક નોંધાઇ છે. તેનો અર્થ એ થયો કે સરકારે તેની આવક કરતાં ઓછો ખર્ચ કર્યો છે. સરકારની તિજોરીમાં 5.4 બિલિયન પાઉન્ડની સરપ્લસ આવક નોંધાઇ છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આંકડાઓ સરકારનું મિશ્ર આર્થિક ચિત્ર રજૂ કરે છે. સરકારની આર્થિક સ્થિતિ ગયા વર્ષની સરખામણીમાં હજુ નબળી છે.
ચાન્સેલર જેરેમી હન્ટ 15મી માર્ચે બજેટ રજૂ કરશે. સરકારની આવકમાં વધારો જેરેમી હન્ટને તેમના બજેટમાં કેટલાંક હકારાત્મક પગલાં લેવાની છૂટછાટ આપી શકે છે. હોલસેલ એનર્જી માર્કેટમાં કિંમતો ઘટી રહી છે જે સરકારને મોટી રાહત આપશે. જોકે સરકારે દેવાના સંદર્ભમાં કેટલાક આર્થિક નિયમો પોતાના પર લાગુ કર્યાં છે અને ટૂંકાગાળાની હલચલ સરકારની નીતિઓ પર કોઇ મોટી અસર પાડશે નહીં.
અત્યાર સુધીના નાણાકીય વર્ષમાં સરકારે 30.6 બિલિયન પાઉન્ડનું દેવું કર્યું છે જે અગાઉના અંદાજ કરતાં ઓછું રહ્યું છે. જેના કારણે ચાન્સેલર જેરેમી હન્ટ પબ્લિક સેક્ટરના કર્મચારીઓને પગાર વધારો આપે તેવી પણ સંભાવના છે. જેથી દેશમાં ચાલી રહેલી હડતાળો સમેટી શકાય. જોકે હન્ટનું કહેવું છે કે સરકારી દેવું હજુ પણ 1960ના દાયકા પછી સર્વોચ્ચ સપાટી પર છે. સરકારનું દેવુ ઘટાડવા માટે કેટલાક આકરા નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે. દેવા પર ચૂકવાતા વ્યાજને ઘટાડવાની તાતી જરૂર છે જેથી આપણે આપણી જાહેરસેવાઓ સુરક્ષિત રાખી શકીએ.


