જાપાન વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ ઈન્ડેક્સમાં સતત ચોથા વર્ષે પ્રથમ

Tuesday 12th January 2021 14:16 EST
 
 

લંડનઃ દુનિયામાં જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. જાપાનના નાગરિકો ૧૯૧ દેશોની વિઝા ફ્રી કે વિઝા ઓન એરાઈવલ યાત્રા કરી શકે છે. જાપાને Henley & Partners ના પાસપોર્ટ ઇન્ડેક્સ ગ્લોબલ રેન્કિંગમાં સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. બીજા ક્રમે સિંગાપોરના નાગરિકો ૧૯૦ દેશોની વિઝા વિના યાત્રા કરી શકે છે. ૧૮૯ દેશમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા સાથે જર્મની અને દક્ષિણ કોરિયા ત્રીજા નંબરે આવે છે જેમના નાગરિકોને મળે છે. બ્રેક્ઝિટ પછી યુકે એક સ્થાન ઊંચે જઈ અમેરિકાની સાથે સાતમા સંયુક્ત ક્રમે આવ્યું છે. સૌથી ઓછો શક્તશાળી પાસપોર્ટ અફઘાનિસ્તાનનો છે.

ફિનલેન્ડ, ઈટાલી, લક્ઝમ્બર્ગ અને સ્પેન સંયુક્તપણે ચોથા ક્રમે (૧૮૮ દેશ) છે જ્યારે, ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક સંયુક્ત પાંચમા સ્થાને (૧૮૭ દેશ) આવે છે.  ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને સ્વીડન સંયુક્ત છઠ્ઠા સ્થાને (૧૮૬ દેશ) તેમજ બેલ્જિયમ, ન્યૂ ઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે અને યુએસએ સંયુક્ત સાતમા સ્થાને (૧૮૫ દેશ) છે. ઓસ્ટ્રેલિયા, ઝેક રિપબ્લિક, ગ્રીસ અને માલ્ટા સંયુક્ત આઠમા સ્થાને (૧૮૪ દેશ)  તથા કેનેડા નવમા ક્રમે(૧૮૩ દેશ) અને  હંગેરી ૧૦મા ક્રમે (૧૮૨ દેશ) છે.

ભારતની વાત કરીએ તો શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત ૮૫મા સ્થાને છે. ભારતના નાગરિકો ૫૮ દેશની વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. એશિયામાં ચીન (૭૦), મ્યાંમાર (૯૬),  શ્રી લંકા (૧૦૦), બાંગલાદેશ (૧૦૧), નેપાળ (૧૦૪) અને પાકિસ્તાન (૧૦૭)મા સ્થાન ઉપર છે.

કોઇ પણ દેશના નાગરિકો પહેલાથી વિઝા લીધા વગર તેના પાસપોર્ટ ઉપર કેટલા દેશોની યાત્રા કરી શકે છે તેના આધારે રેન્કિંગ નક્કી થાય છે. વિઝા વિના એવા દેશોની યાત્રા કરી શકાય છે જેઓ, વિઝા ઓન અરાઇવલની સુવિધા આપતા હોય. આવી સુવિધા મિત્ર દેશોના નાગરિકોને આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter