જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ભારત ખાતે પ્રત્યાર્પણને લંડન કોર્ટની મંજૂરી

જયેશ પટેલ હત્યા, જમીન પચાવી પાડવા સહિતના 50 કેસોમાં ભારતમાં વોન્ટેડ

Tuesday 04th April 2023 13:18 EDT
 
 

લંડન

જામનગરના નામચીન ભૂમાફીયા જયેશ પટેલને લંડનની કોર્ટે ભારતને સોંપવાનો હુકમ કર્યો છે. જોકે, લંડનની લોઅર કોર્ટનો આ હુકમ છે. જેની સામે જયેશ પટેલ અપીલમાં ઉપલી કોર્ટમાં જાય તેવી શક્યતા છે. જેના કારણે તેને ભારત લાવવામાં હજુ થોડો સમય વિતી જશે તે લગભગ નિશ્ચિત છે.
રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવે જણાવ્યું કે લંડનની લોઅર કોર્ટમાં સીબીઆઈની પ્રત્યાર્પણની અરજીને મંજુરી મળી છે. જો કે તેની સામે આરોપી જયેશ પટેલને હજુ હાયર કોર્ટમાં અપીલમાં જઈ શકે છે. જે જોતા હજુ કસ્ટડી માટે સીબીઆઈને થોડો સમય રાહ જોવી પડે તેમ જણાય છે.
જામનગરનાં અનેક બિલ્ડરો અને જમીન માલિકોની કરોડો રૂપીયાની જમીન ઉપર ભુમાફીયા જયેશ પટેલ આણી ટોળકી દ્વારા કબજો કરી લેવામાં આવ્યો હતો. એટલુ જ નહી જામનગરના એડવોકેટ કીરીટ જોશીની હત્યા કેસમાં પણ તેનું નામ ખુલ્યું હતું. જામનગર પોલીસના હાથે ઝડપાયા બાદ જામીન પર છુટી જયેશ પટેલ બનાવટી પાસપોર્ટના આધારે વિદેશ ભાગી ગયો હતો. તેની સામે ગુજરાતભરમાં ખુન, જમીન પચાવી પાડવી, ધાક-ધામકી આપવી, હત્યાનો પ્રયાસ કરવા સહિતના 50 થી વધુ ગુના નોંધાયેલા છે. એટલુ જ નહી તેના વિરૂદ્ધ ગુજરાતમાં સૌપ્રથમ વખત ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયો હતો.
લંડનમાં જયેશ પટેલ હોવાની માહિતીના આધારે સીબીઆઈએ તેના પ્રત્યાર્પણ માટે કાનુની જંગ શરૂ કર્યો હતો. જેના પહેલા રાઉન્ડમાં જયેશ પટેલને પછડાટ મળી છે. નીચેની કોર્ટે તેના પ્રત્યાર્પણની અરજી ગ્રાહ્ય રાખી છે. દુનીયાના દરેક દેશોમાં આરોપીઓ નીચેની કોર્ટના હુકમ સામે ઉપરની કોર્ટમાં જઈ શકે છે. તે મુજબ જયેશ પટેલ પણ નીચેની કોર્ટના હુકમ સામે ઉપરની કોર્ટમાં અપીલમાં જાય તેવી પુરેપુરી શકયતા છે. જે જોતા તેનો કબ્જો મેળવવા માટે સીબીઆઈએ હજુ પણ થોડો સમય રાહ જોવી પડશે તેમ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું માનવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter