માન્યામાં ન આવે તેવી વાત છે ને! જી હા, નોર્થ ઇંગ્લેન્ડમાં રહેતા લોકો પોતાને પીવા માટે થોડાક પ્રમાણમાં ગાંજા (કેનાબીઝ)નું વાવેતર કરી શકશે. ડરહામ પોલીસે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે પોતાના વપરાશ માટે થોડાક પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરનાર લોકો સામે તેઅો પગલા લેશે નહિં. ડરહામના પોલીસ અને ક્રાઇમ કમિશ્નર રોન હોગે જણાવ્યું હતું કે પોલીસ દળની તાકાત વ્યવસ્થીત રીતે ડ્રગ્સનો વેપાર કરતા લોકોને કાબુમાં લેવા માટે વપરાવી જોઇએ, નહિં કે ગલીના નાકે ગાંજો પીતા લોકોને ઝડપવા માટે. આ પગલાને ખૂબ જ મહત્વનું અને બદલાવજનક માનવામાં આવે છે. એનએચએસના આંકડાઅો મુજબ વિતેલા વર્ષમાં સગીરવયથી યુવાન વયના દર પંદર લોકોમાંથી એક વ્યક્તિ ગાંજાનું સેવન કર્યું હતું. કો ડુરહામમાંથી ગયા વર્ષે ગાંજાના ૩,૬૮૪ છોડ અને નજીકના નોર્ધમ્બ્રીયામાંથી ૧૫,૦૦૦ છોડ પકડવામાં આવ્યા હતા. ક્લાસ બી પ્રકારમાં ગણાતા ગાંજાનો પૂરવઠો પૂરો પાડવા બદલ ૧૪ વર્ષની સજાની જોગવાઇ છે. પરંતુ હવે નવા સૂચનો મુજબ પોતાના વપરાશ માટે જ જો થોડાક પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરાયું હોય તો સામુદાયીક દંડ થવો જોઇએ.