જાહેર અને રાજકીય જીવનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ AVPPL એવોર્ડસથી સન્માન

Wednesday 14th March 2018 06:25 EDT
 
 

લંડનઃ ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના સંયુક્ત ઉપક્રમે તા.૧-૩-૨૦૧૮ને ગુરુવારે લંડનના પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ ખાતે ૧૨મા ‘એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ’ (AVPPL)નો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં કેબિનેટ મિનિસ્ટર સાજિદ જાવિદ MP, ભારતીય અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા અને 'લેસ્ટર સિટી'ના ફૂટબોલર શિન્જી ઓકાઝાકી સહિત આપબળે આગળ આવી સિધ્ધીના શિખરો સર કરનાર વિવિધ ક્ષેત્રના અગ્રણીઅોને એવોર્ડ એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ‘બિસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ’ લેખાવાયેલા આકરી ઠંડીના મોજા અને 'એમા' વાવાઝોડાની અસર છતાં સાંસદો, બિઝનેસ અને કોમ્યુનિટીના અગ્રણીઓ, આર્મ્ડ ફોર્સીસના સદસ્યો અને બ્રિટિશ સમાજના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાની આગવી શૈલીમાં સમાજની સેવા કરનાર અને પોતે ગમે તે ક્ષેત્રમાં કાર્યરત હોય પણ પોતાના કાર્ય દ્વારા વિશ્વના હાલના અને ભવિષ્યના કલ્યાણ અને હિત માટે મહત્ત્વનું યોગદાન આપનાર વ્યક્તિ વિશેષોનું સન્માન કરવાના વિનમ્ર પ્રયાસરૂપે તેમને AVPPL એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.
યુકેની રાજકીય પ્રક્રિયામાં તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવીને પુરુષો અને મહિલાઓ ઘણી રીતે રાજકીય અને જાહેર જીવનમાં એકસમાન રીતે ભાગ લે છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણીઓથી લઈને સામાન્ય વ્યક્તિઓમાંથી જેમણે પોતાના યોગદાન દ્વારા અગાઉના ૧૨ મહિનામાં વિશેષ અનુદાન કરનાર વિશિષ્ટ પ્રતિભાનું દર વર્ષે આ એવોર્ડથી બહુમાન કરવામાં આવે છે.
અગાઉના વર્ષોની માફક આ વખતે પણ એવોર્ડ માટે નોમીનીઝ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા હતી. આ અનોખા ઈવેન્ટમાં વાચકો ઈચ્છિત વ્યક્તિને નોમિનેટ કરે છે અને અગ્રણી પ્રતિભાઓની બનેલી જજોની સ્વતંત્ર પેનલ વિજેતાની પસંદગી કરે છે.
‘કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર એવોર્ડ’ મેળવતા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ સાજિદ જાવિદે જણાવ્યું હતું, ‘આ એવોર્ડ મેળવીને મને ખૂબ સન્માન મળ્યાની લાગણી થાય છે. એવોર્ડ માટે મને મત આપનારા તમામ વાચકો અને એશિયન વોઈસનો ખૂબ આભાર માનું છું. આપણી લોકશાહીના વતન, આપણે જાળવેલી સ્વતંત્રતા અને જે સ્વતંત્રતાએ વિશ્વમાં આપણા દેશને સૌથી મુક્ત અને સહિષ્ણુ દેશો પૈકીનો એક બનાવ્યો છે તે દેશની ધરતી પર આવેલી પાર્લામેન્ટમાં આ એવોર્ડ મેળવવો ખૂબ યોગ્ય લાગે છે. આપણો દેશ વૈવિધ્યની માત્ર ઉજવણી જ નથી કરતો પરંતુ, દેશમાં વૈવિધ્ય પર સક્રિય વિકાસ કરીએ છીએ.’
તેમણે ઉમેર્યું હતું, ‘આ સમારંભમાં એવોર્ડ મેળવનાર સૌને તેમની સિદ્ધિ બદલ મારે ધન્યવાદ પાઠવવા જ જોઈએ. આ એવોર્ડ હું મારા માતા-પિતા તેમજ આપ સૌના માતા-પિતાને સમર્પિત કરું છું. કારણ કે આપણા માતાપિતા અને દાદાદાદીએ વર્ષો અગાઉ તેમના ઘર છોડ્યા, આ દેશમાં આવવા માટે ઘણું જોખમ લીધું અને તેમનું જ નહીં પરંતુ, તેમના બાળકો અને પૌત્રોના સારા ભવિષ્યનું ઘડતર કર્યું. આજે આપણા માતા-પિતા કે જેઅો આપણા હીરો છે તેમને યાદ કરવાની આ તક છે.’
લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતા, ભારતીય અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું, ‘આ એવોર્ડ માટે મને નોમિનેટ કરવા બદલ સર્વે વાચકો અને ‘એશિયન વોઈસ’નો હું આભાર માનું છું. પ્રથમ વખત મેં પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પ્રવેશ મેળવ્યો છે. આપના થકી મળેલા આ એવોર્ડ દ્વારા મને આ ઐતિહાસિક સ્થળની મુલાકાતની તક મળી છે તે બદલ હું આપનો આભારી છું. હું જ્યાં પણ જઉં છું ત્યાં ખાસ કરીને યુવા પેઢીને શીખ આપવાનો પ્રયાસ કરું છું કે દુનિયામાં આત્મવિશ્વાસ જ મુખ્ય બાબત છે. આત્મવિશ્વાસને લીધે પ્રતિબદ્ધતા આવે છે, પ્રતિબદ્ધતાથી દ્રઢતા આવે છે, દ્રઢતાથી સમર્પણ આવે છે અને જ્યારે આપનામાં આત્મવિશ્વાસ ઉપરાંત પ્રતિબદ્ધતા, દ્રઢતા અને સમર્પણ હોય ત્યારે જુસ્સો અને લગન આવે. આપનામાં જુસ્સો હોય, લગન હોય તો આપ બધું જ જીતી શકો છો. આ સ્પર્ધાત્મક વિશ્વમાં આપ અન્ય કરતા સારા છો તેવું પૂરવાર કરવું પડે છે. આપ આપની જાતને શ્રેષ્ઠ પૂરવાર ન કરી શકો તો કાંઈ નહીં પણ અન્ય કરતા અલગ બનો અને અલગ કરવાનો પ્રયાસ કરો.’
રાજકારણનો પોતાની લગન ગણાવીને શત્રુઘન સિંહાએ ઉમેર્યું હતું, ‘ વ્યક્તિ કરતા પક્ષ મોટો છે અને પક્ષ કરતા દેશ મોટો છે. મારું સમગ્ર હિત રાષ્ટ્રના હિતમાં છે. હું જે પણ કહું છું તે હું મારી શ્રેષ્ઠ ક્ષમતા અને હેસિયતથી બોલું છું હું મારા દેશની તરફેણમાં બોલું છું. મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે ખૂબ માન છે કારણ કે તેઓ દેશને સારું નેતૃત્વ પૂરું પાડી રહ્યાા છે.
કોઈ મુદ્દા હોય તો તેની ચર્ચા કરવી જોઇએ. આ કામ મિત્રોનું અને ખાસ કરીને ભાજપના સભ્યોનું છે. તેથી જ મારા વિશે ગેરસમજ ન કરવા હું આપ સૌને અનુરોધ કરું છું. હું શું છું, ક્યાં છું, ખરાબ છું કે કદરૂપો, હું આપનો છું, આપનો હતો અને હંમેશા માટે આપનો રહીશ.’
‘ગુજરાત સમાચાર’- ‘એશિયન વોઈસ’ના ગયા વર્ષના દિવાળી અંકના કવર પેજ પર બોલિવુડની વિખ્યાત અભિનેત્રી અને તેમની પુત્રી સોનાક્ષી સિંહાની તસવીર જોઈને શત્રુઘન સિંહા ખૂબ રોમાંચિત થયા હતા અને લોકમાગણીને લઈને તેમણે તે મેગેઝિનનું વિમોચન કર્યું હતું. સાથે તેમણે એવી મજાક પણ કરી હતી કે આગામી વર્ષે 'હોળી વિશેષાંક'માં તેમનો ચહેરો ચમકે તેવું બની શકે.
‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક/તંત્રી સી બી પટેલે જણાવ્યું હતું, ‘આ એવોર્ડ્સ દ્વારા મહાન કાર્યો અને જાહેર તથા રાજકીય જીવનમાં વિરાટ યોગદાન આપનારા કેટલાક વિશિષ્ટ લોકોને બીરદાવવામાં આવ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષ, જાતિ, રંગ અથવા ધર્મના હોય તેને ધ્યાનમાં લીધા વિના જીવનના તમામ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવનારા લોકોની સિદ્ધિની આપણે ઉજવણી કરી શકીએ છીએ તેના માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. આ એવોર્ડ્સ કોમ્યુનિટીઝ અને બ્રિટિશ સમાજમાં મહત્ત્વનું યોગદાન આપનારના સન્માન માટે છે. હું આ વર્ષના તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું અને તેમના ઉત્કૃષ્ટ કાર્યને આગળ ધપાવવા અનુરોધ કરું છું.’ ‘એશિયન વોઈસ’ દ્વારા દર વર્ષે પ્રગટ કરાતા ‘ધ એશિયન જાયન્ટ્સ’ મેગેઝિનનું લાયકા મોબાઈલના ચેરમેન અલીરાજા સુભાષકરણ અને સી બી પટેલે વિમોચન કર્યું હતું.
(Photo courtesy: Raj D Bakrania, PR Mediapix)

આ વર્ષના પ્રતિષ્ઠિત વિજેતાઓ

• કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર - સાજિદ જાવિદ MP
• લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - શત્રુઘ્ન સિંહા
• શેડો કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર - જોનાથન એશવર્થ MP
• બિઝનેસ પર્સન ઓફ ધ યર - પ્રેમા સુભાષકરણ
• લેબર બેકબેન્ચર ઓફ ધ યર - લૌરા પીડકોક MP
• કન્ઝર્વેટિવ બેકબેન્ચર ઓફ ધ યર - જેમ્સ ક્લેવરલી MP
• લીબરલ ડેમોક્રેટ ઓફ ધ યર - લયલા મોરાન MP
• સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર - શિન્જી ઓકાઝાકી
• ડોક્ટર ઓફ ધ યર - ડો. બાલુ પીચૈયાહ
• એવોર્ડ ફોર કોમ્યુનિટી સર્વિસ - દાલ બાબુ
• યંગ એન્ત્રપ્રિનિયોર ઓફ ધ યર - નમન પાઠક
• રેસ્ટોરાં ઓફ ધ યર - વર્સિટી રેસ્ટોરાં અને તારીક મેહમુદ
• ન્યૂ બિઝનેસ એન્ટ્રન્ટ ઓફ ધ યર - પ્રબીર ચટ્ટોપાધ્યાય
• ટ્રેડ યુનિયનિસ્ટ ઓફ ધ યર - કીથ બર્ચ
• એરલાઈન ઓફ ધ યર - જેટ એરવેઝ અને લીડીયા નઝરેથ
• એન્ટરપ્રાઈઝ ઓફ ધ યર - મુસ્તફા આબેદ
• પબ્લિક સર્વિસ એવોર્ડ - અનિરુદ્ધ સિંઘ અને VFS
• ઈનોવેશન ઈન બિઝનેસ એવોર્ડ - કુલવિન્દર કુમાર બાગા
• ટેલિવિઝન ચેનલ ઓફ ધ યર - કલર્સ ટીવી
• આર્ટ્સ એન્ડ ફિલ્મ એવોર્ડ - ભાવના તલવાર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter