લંડનઃ જાહેર ક્ષેત્રના કામદારો માટે એક ટકાની વેતનવૃદ્ધિની મર્યાદા દૂર કરવા બાબતે સંકેત આપ્યા પછી સરકારે તેમાં પીછેહઠ કરતા ગૂંચવાડો સર્જાયો છે. વડા પ્રધાન થેરેસા મેના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે વાર્ષિક વેતનવૃદ્ધિ એક ટકા રાખવાની નીતિમાં કોઈ ફેરફાર નથી. અગાઉ, કન્ઝર્વેટિવ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બજેટમાં મર્યાદાની સમીક્ષા થઈ શકે છે.
બુધવારે ક્વીન્સ સ્પીચમાં લેબર પાર્ટીએ ઈમર્જન્સી સર્વિસીસના ભંડોળમાં કાપ તેમજ વેતનમર્યાદામાં અંત લાવવા સુધારો મૂકતા તેના પર મતદાન થયું હતું અને આ દરખાસ્તો નકારી કાઢવામાં આવી હતી. આ મતદાન અગાઉ જ પ્રવક્તાએ નીતિમાં પરિવર્તન નહિ થાય તેમ જણાવ્યું હતું. સામાન્ય ચૂંટણીમાં થેરેસા મેએ બહુમતી ગુમાવ્યાં પછી એક ટકાની વેતનવૃદ્ધિની મર્યાદા દૂર કરવા સહિત કરકસર હળવી કરવાના અનેક પગલાં લેવાશે તેવાં સંકેતો અપાયા હતા.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગ અને ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને જાહેર ક્ષેત્રની વેતનમર્યાદાની સંભવિત સમીક્ષા વિશે જણાવ્યું હતું. પાર્ટીના સૂત્રે પણ જણાવ્યું હતું કે લોકો કરકસરથી થાકી ગયા છે તેનો સંદેશો ચૂંટણીમાં મળ્યો છે. જોકે, એમ કહેવાય છે કે ચાન્સેલર ફિલિપ હેમન્ડે બજેટ અગાઉ તેમના વિકલ્પો મર્યાદિત ન બની જાય તેથી આ પગલાનો વિરોધ કર્યો છે. પૂર્વ ચાન્સેલર ઓસ્બોર્ને ૨૦૧૨માં આ મર્યાદા દાખલ કરી હતી અને ૨૦૧૫ના બજેટમાં વધુ ચાર વર્ષ લંબાવી હતી. આથી આ મર્યાદા ૨૦૧૯ સુધી અમલી રહેવાની છે.


