લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકના બજેટનું વિશ્લેષણ કરતા આર્થિક થિન્ક ટેન્ક ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડીઝ (IFS) દ્વારા ટેક્સીસ અથવા કરજને વધારવું પડશે અથવા તો ઘણી પબ્લિક સર્વિસીસને ભારે કરકસરનો સામનો કરવાનો આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
IFSએ જણાવ્યું છે કે રક્ષિત ભંડોળ વિનાના સરકારી વિભાગો માટે ચાન્સેલરની ખર્ચયોજનાઓ જણાય છે તેના કરતાં પણ તંગ છે. થિન્ક ટેન્કે જણાવ્યું હતું કે મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ, લોકલ ગવ્રમેન્ટ અને ડિપાર્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ જેવાં મંત્રાલયોએ ૨૦૨૨-૨૩માં ૩ ટકાનો કાપ સહન કરવાનો આવશે જે માર્ચ ૨૦૨૦ અગાઉના કોરોના વાઈરસ પ્લાન્સના સંદર્ભે ૮ ટકાનો કાપ દર્શાવે છે. આ આંકડા અવાસ્તવિક હોવ્ની શકર્યતા છે અને કરજ અથવા ટેક્સીસ યોજના કરતાં ઊંચા રહેશે. જો આમ થશે તો કેટલીક જાહેર સેવાઓને કરકસરનો બીજો ભારે ડોઝ સહન કરવાનો આવશે.
બોરિસ જ્હોન્સને અવારનવાર કહ્યું છે કે યુકે ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી કરકસર કરી હતી તેમ મહામારીથી અર્થતંત્રને થયેલા નુકસાનને સુધારવા માટે કરકસરના યુગમાં પાછું નહિ ફરે. ચાન્સેલર સુનાકે કોવિડ સંબંધિત ખર્ચા ચાલુ રાખવા અને મોટા બિઝનેસીસ પર ટેક્સ વધારવાની જાહેરાત કરી હોવાં છતાં તેમના બજેટની આગાહીઓની ટીકાઓમાં કરકસરના યુગમાં પાછાં ફરવાનો સંકેત અપાયો હતો.
ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું છે કે આ સ્પષ્ટપણે કરકસરના યુગમાં પાછાં ફરવાનું નથી. સરકરારે આ વર્ષે ૭૨ બિલિયન પાઉન્ડનો વધારો જાહેર ખર્ચાઓમાં કર્યો છે તેમજ આવતા વર્ષે અને પાર્લામેન્ટના બાકીના વર્ષોમાં પણ ખર્ચામાં વધારો કરાશે. ૨૦૨૨થી સરકારી વિભાગોના બજેટ નિશ્ચિત કર્યા નથી પરંતુ, મહત્ત્વપૂર્ણ જાહેર સેવાઓમાં રોકાણ માટે સરકાર કટિબદ્ધ છે.


