લંડનઃ લેસ્ટરમાં જાહેરમાં ચાકૂ સાથે રમત કરવાનું એક ભારતીય વિદ્યાર્થીને ભારે પડી ગયું છે. 20 વર્ષીય ગુરપ્રીત સિંહને અભ્યાસ પૂરો થયા બાદ ભારત ખાતે દેશનિકાલ કરવાનો આદેશ અપાય તેવી સંભાવના છે.
બન્યું એમ હતું કે, ગુરપ્રીત સિંહ તાજેતરમાં જ બર્મિંગહામ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો. લેસ્ટરમાં ગ્રીન લેન રોડ પર પાઉન્ડ બસ્ટર્સ શોપમાં કામ કરતો હતો. 26 સપ્ટેમ્બરના રોજ શોપ પર જવા માટે નીકળી તે બસ સ્ટોપ પર બસની રાહ જોતો બેઠો હતો અને ફોન પર ભારત સ્થિત માતા સાથે વાત કરી રહ્યો હતો. ફોન પર વાત કરતી વખતે તે તેની બેગમાંથી ચાકુ કાઢીને રમત કરી રહ્યો હતો.
હકીકતમાં તેને શોપ પર કેટલાક કાર્ડબોર્ડ બોક્સ કાપવા માટે ચાકુ આપવામાં આવ્યું હતું. તે બસસ્ટોપ પર હતો તે દરમિયાન લેસ્ટર પોલીસના અધિકારીઓ ત્યાંથી પસાર થયા હતા અને ગુરપ્રીતના હાથમાં ચાકુ જોતાં તેની ધરપકડ કરી હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, ગુરપ્રીતને યુકેના કાયદાની જાણકારી નહોતી. બેન્ચના અધ્યક્ષ જેન ફોસ્ટરે જણાવ્યું હતું કે, યુકેમાં ધારદાર શસ્ત્ર રાખવું ગંભીર અપરાધ છે. હવે ગુરપ્રીત પર અભ્યાસ પૂરો થયા બાદ દેશનિકાલનું જોખમ તોળાઇ રહ્યું છે.

