જાહેરમાં મહિલાની જાતીય સતાવણી કરનારને બે વર્ષ સુધીની જેલ થશે

મહિલાઓની છેડતી અને સતાવણીને ચોક્કસ અપરાધની શ્રેણીમાં સામેલ કરાશે

Wednesday 14th December 2022 05:49 EST
 
 

લંડન

સડકો પર મહિલાઓની સુરક્ષા વધારવા માટે સુનાક સરકાર એક નવો કાયદો લાવી રહી છે. જે અંતર્ગત જાહેરમાં મહિલાની જાતીય સતાવણી કરનારને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે. પૂર્વ ટોરી મિનિસ્ટર ગ્રેગ ક્લાર્ક દ્વારા તૈયાર કરાયેલા ખરડાને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને સમર્થન આપ્યું છે. આ કાયદા અંતર્ગત જાહેરમાં મહિલાની જાતીય સતાવણીને ચોક્કસ અપરાધની શ્રેણીમાં લવાશે. સુએલા બ્રેવરમેન ઇચ્છે છે કે દરેક મહિલા પોતાને સડક પર ચાલતા સમયે સુરક્ષિત અનુભવે. જાહેરમાં મહિલાની જાતીય સતાવણી હાલ ગેરકાયદેસર તો છે પરંતુ તેને ચોક્કસ અપરાધની શ્રેણીમાં સ્થાન નથી.

ગ્રેગ ક્લાર્ક દ્વારા લવાઇ રહેલું પ્રાઇવેટ મેમ્બર બિલ 1986ના પબ્લિક ઓર્ડર એક્ટમાં સુધારો કરશે. તેમાં અપરાધીને 6 મહિનાથી બે વર્ષ સુધીની કેદની જોગવાઇ કરવામાં આવી રહી છે. જાહેરમાં મહિલાઓની જાતીય સતાવણી પર ચર્ચા બાદ તેને ચોક્કસ અપરાધની શ્રેણીમાં લાવવા પગલાં લેવાઇ રહ્યાં છે. સરકાર માને છે કે આ સમસ્યા વ્યાપક બની રહી છે.

મહિલાને જાણીજોઇને પરેશાન કરવી, ધમકી આપવી, અશ્લિલ શબ્દોના ઉચ્ચારણ અને વર્તણુંકને આ અપરાધની શ્રેણીમાં સામેલ કરાશે. મહિલાનો પીછો કરવો, અશ્લિલ ચેનચાળા કરવા અને મહિલાની કારની સાથે સાથે ધીમે કાર ચલાવીને તેને પરેશાન કરવા જેવી બાબતો પણ આ કાયદામાં સામેલ કરાઇ રહી છે.

ક્લાર્કે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, આ ખરડો સમાજની સંસ્કૃતિમાં બદલાવ લાવવામાં મદદ કરશે. સમાજમાં જાતીય સતાવણી જરાપણ સ્વીકાર્ય નથી. આ કાયદા અંતર્ગત કેટલીક કાર્યવાહી જરૂરી બની રહેશે પરંતુ આ પ્રકારનો કાયદો હોય તે જરૂરી છે.

લેબર પાર્ટીએ પણ આ ખરડાનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ સાચી દિશામાં પહેલું પગલું છે.

 બ્રિટનમાં બળાત્કાર પીડિતો માટે 24 કલાકની હેલ્પલાઇનનો પ્રારંભ 

દેશમાં બળાત્કાર પીડિતો માટે સરકાર દ્વારા 24 કલાકની હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો છે. રેપ ક્રાઇસિસ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ દ્વારા સરકારી સહાયથી સંચાલિત આ હેલ્પલાઇન સપ્તાહના સાતેય દિવસ કાર્યરત રહેશે. આ સેવા પાછળ આગામી 3 વર્ષમાં 6.4 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે. આ હેલ્પલાઇનમાં બળાત્કાર પીડિતોને સ્થાનિક સેવાઓની મદદ અપાવવા માટે 24 તાલીમબદ્ધ સલાહકારો નિયુક્ત કરાશે. 16 વર્ષથી વધુ વયની કોઇપણ બળાત્કાર પીડિતા ટેલિફોન અથવા તો વેબચેટ દ્વારા હેલ્પલાઇન પર સ્પેશિયાલિસ્ટ સાથે વાત કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter