લંડનઃ શું તમે માની શકો કે અસાધ્ય કેન્સર રોગથી પીડાતી અને જેના 13 અવયવો સર્જરીથી કાઢી નંખાયા હોય તેવી વ્યક્તિ ક્રિસ હોયની 90 કિલોમીટરની સાયકલ ટુર ‘ટુર દ 4’માં જોડાવાની તૈયારી કરી રહી છે? આ વ્યક્તિ છે કમ્બ્રીયાના નયનરમ્ય એડન વેલીમાં વસતી 39 વર્ષીય રેબેકા હાઈન્ડ. હવે કેટલું આયુષ્ય બચ્યું છે એ તો રેબેકા જાણતી નથી પરંતુ, જેટલો સમય બાકી રહ્યો છે તેને ભરપૂર આનંદ સાથે પસાર કરવાનો તેણે મક્કમ નિશ્ચય કર્યો છે.
રેબેકા 33 વર્ષની હતી ત્યારે 2018માં તેના મિત્રો સાથે ક્રિસમસ પાર્ટીમાં ફૂડ પોઈઝનિંગનો શિકાર બની હતી. મિત્રો તો સાજાસમા થઈ ગયા પરંતુ રેબેકા સપ્તાહો સુધી નાદુરસ્ત રહી હતી. જીપી અને હોસ્પિટલોની વારંવાર મુલાકાતો પછી તેના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું.
કાર્લાઈલની કમ્બરલેન્ડ ઈન્ફર્મરીમાં સીટી સ્કેન અને બાયોપ્સીઓ બાદ જણાયું હતું કે રેબેકાને દસ લાખ લોકોમાંથી એકને થતું હોય તેવું કેન્સર ‘સ્યૂડોમાયક્સોમા પેરિટોનેઈ’ (Pseudomyxoma peritonei) થયું છે. પીએમપીના ટૂંકા નામે ઓળખાતું આ કેન્સર મ્યુસિન નામે ઓળખાતા જેલી જેવાં પ્રવાહી થકી પેટને સાંકળતા અંગોમાં ફેલાયું હતું, સોલિડ ગાંઠો થઈ હતી. રેબેકાનું કામકાજ કરવાનું બંધ થઈ ગયું.
રેબેકાનું કેન્સર ઘણું આગળ વધી ગયું હોવાથી કેન્સરગ્રસ્ત 13 અંગો દૂર કરવા બે સર્જરી કરાવવી પડી હતી. તેનું શરીર કામ કરતું રહે તે માટે તેણે નાસ્તો કરવાનો હોય તેમ રોજની 60 ટેબ્લેટ્સ ગળવી પડતી હતી. મહિનાઓની સારવાર પછી ડોક્ટરોએ રેબેકાને જાણ કરી કે સર્જરી અને કીમોથેરાપીના આઠ રાઉન્ડ પછી પણ કેન્સર દૂર થયું નથી અને કેન્સરનો આ પ્રકાર અસાધ્ય છે.
એપ્રિલ 2019માં માન્ચેસ્ટરની ધ ક્રિસ્ટી હોસ્પિટલમાં કરાયેલી સર્જરીમાં તેના એપેન્ડિક્સ, નાભિ, જઠર સાથે જોડાયેલા ટિસ્યુઝનું સ્તર ઓમેન્ટમ અને 6 લિટર મ્યુસિન પ્રવાહી કાઢવામાં આવ્યાં હતાં. નવેમ્બર 2019માં બેસિંગ્સટોક એન્ડ નોર્થ હેમ્પશાયર હોસ્પિટલમાં 12 કલાકની સર્જરી કરાઈ ત્યારે ગ્રેટર ઓમેન્ટમ, ગોલ બ્લેડર (પિત્તાશય), સ્પ્લીન (બરોળ), મોટું આંતરડું, ગર્ભાશય, ફેલોપિઅન ટ્યૂબ્સ, ઓવરીઝ (અંડાશય), સર્વિક્સ (ગર્ભાશયમુખ) અને રેક્ટમ (મળાશય) દૂર કરાયાં હતાં. આ ઉપરાંત, ઉદરપટલની બંને બાજુ, લિવર, નાના આંતરડા અને જઠરના થોડા હિસ્સા પણ દૂર કરાયા હતા.
સારવારના તમામ વિકલ્પો અજમાવી લીધાં છતાં પણ કેન્સર દૂર ન થયું. કોઇ પણ માણસ હિંમત હારી જાય, ભાંગી પડે, પણ આ રેબેકા હતી. તેણે બાકીનું જીવન જોમ-જુસ્સા સાથે જીવવાનો દૃઢ નિર્ધાર કર્યો. એટલું જ નહીં, તેનો અમલ પણ શરૂ કર્યો. હવે રેબેકા પોતાના અનુભવો મારફત PMP વિશે જાગરૂકતતા કેળવવાં પાછળ સમય વીતાવે છે. તે ‘ટુર દ 4’ સાયકલ ટુર મારફત PMP ચેરિટી ‘સ્યૂડોમાયક્સોમા સર્વાઈવર’ માટે ભંડોળ એકત્ર કરવા માગે છે. રેબેકા સર્ફિંગ પણ કરે છે, મૂડ આવી જાય તો હોટ એર બલૂનમાં ઊંચે ઊંચે લટાર પણ મારી આવે છે અને ઇચ્છા થાય તો ડોગ સ્લેજિંગની મોજ પણ માણે છે. અનેક શારીરિક તકલીફ અને પીડા છતાં રેબેકાને જિંદગી પ્રત્યે કોઇ ફરિયાદ નથી. તે હસતા ચહેરે જિંદગી જીવી રહી છે એમ કહેવા કરતાં તે જિંદગી માણી રહી છે એમ કહેવું યોગ્ય ગણાશે.