લંડનઃ બીમારીના બહાને કામ ધંધો નહીં કરતા લોકોને જોબ માર્કેટમાં પરત લાવવા સરકાર જીપીને માંદગીની રજાની ચિઠ્ઠી જારી કરવાનું બંધ કરી લોકોને જોબ કોચ પાસે અથવા જિમમાં મોકલવાનો આદેશ આપશે. વધી રહેલા બેનિફિટ્સ બિલને ઘટાડવા સરકારે લાખો બીમારોને જોબ માર્કેટમાં પરત લાવવા માટે નવી પાયલટ સ્કીમની જાહેરાત કરી છે. આ અંતર્ગત 15 રિજિયનની જીપી સર્જરીઓને દર્દીઓને વિશેષ સપોર્ટ આપવા માટે આર્થિક સહાય પણ અપાશે. વર્કવેલ પ્રાયમરી કેર સ્કીમ અંતર્ગત દરેક રિજિયનને 1 લાખ પાઉન્ડ ફાળવાશે.
ગયા વર્ષે એનએચએસ દ્વારા 11 મિલિયન ફિટ નોટ્સ ઇશ્યૂ કરાઇ હતી જે વર્ષ 2015ની સરખામણીમાં 5.3 ટકાનો વધારો દર્શાવે છે. જેમાં 93 ટકા લોકો કામ કરી શકવાની સ્થિતિમાં નથી તેવું જાહેર કરાયું હતું. હવે સર્જરીઓને લોકોને નોકરી મેળવવામાં મદદ કરવા વિશેષ ટીમ ફાળવાશે. ફેમિલી ડોક્ટરો એમ્પ્લોયમેન્ટ કોચ સાથે મળીને દર્દીઓને સીવી અને કવર લેટર્સ લખવામાં મદદ કરશે.