લંડનઃ ગુજરાતના અમદાવાદ ખાતે 12 જૂનના રોજ થયેલી વિમાની દુર્ઘટનામાં બચી જનાર એકમાત્ર પ્રવાસી વિશ્વાસકુમાર રમેશ હજુ પણ જીવન પર કાબૂ મેળવવામાં સંઘર્ષ કરી રહ્યાં છે. માડિયા સાથેની વાતચીતમાં રમેશે જણાવ્યું હતું કે, દુર્ઘટના અંગે વાત કરવી પણ અત્યંત પીડાદાયક છે. હું સૌથી નસીબદાર વ્યક્તિ હતો પરંતુ આજે પણ માનસિક અને શારીરિક સમસ્યાઓથી પીડાઇ રહ્યો છું.
રમેશે જણાવ્યું હતું કે, હું બચી ગયો તે એક ચમત્કાર જ હતો પરંતુ વિમાન દુર્ઘટનાને કારણે હું ભાંગી ગયો છું. મારો પરિવાર પણ સમાન સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. હું ઘરની બહાર પણ નીકળતો નથી અને મારા બેડરૂમમાં જ બેસી રહું છું. દુર્ઘટનામાં મેં મારા ભાઇને ગુમાવ્યો છે. તે મારા માટે સર્વસ્વ હતો. હું શારીરિક રીતે પણ હજુ સક્ષમ નથી. મારી પત્ની મારા રોજિંદા કાર્યોમાં મારી મદદ કરે છે. મારે 4 વર્ષનો દીકરો છે પરંતુ હું મારી પત્ની અને પુત્ર સાથે યોગ્ય રીતે વાત કરી શક્તો નથી. મારી માતા પણ આઘાતમાંથી બહાર આવી નથી. તે ચૂપચાપ ઘરની બહાર બેસી રહે છે. દુર્ઘટના બાદથી હું કોઇ કામ કરી શક્તો નથી કે ડ્રાઇવ પણ કરી શક્તો નથી. મારી પત્નીની મદદથી ચાલી શકું છું.
આજે રમેશ અને તેમનો પરિવાર યુકે કે ભારતમાં કોઇ આવક ધરાવતા નથી. એર ઇન્ડિયા દ્વારા પણ રમેશને 21,500 પાઉન્ડનું વચગાળાનું વળતર અપાયું છે. જે પુરતું નથી. રમેશ અને તેમનો પરિવાર આજે ગુજરાન માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. રમેશના પરિવારના સલાહકારો કહે છે કે એર ઇન્ડિયા દ્વારા અપાયેલું વળતર પુરતું નથી. તેનાથી પરિવાર તાકિદની જરૂરીયાતો પણ પૂરી કરી શક્તો નથી. એર ઇન્ડિયા અમારી રજૂઆતો પર આંખા આડા કાન કરી રહી છે.
અમેરિકામાં શટડાઉનના કારણે એર ઇન્ડિયા ક્રેશ કેસ આડે અવરોધો સર્જાયા
અમેરિકામાં શટડાઉનના કારણે સરકારી ભંડોળ અટકી જતાં એક ઇન્ડિયા ક્રેશની તપાસ એફએએ દ્વારા સ્થગિત કરી દેવાઇ છે. જેના પગલે કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા પણ ઠપ થઇ ગઇ છે. 125થી વધુ પીડિત પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહેલી અમેરિકન કાયદા કંપની બિસ્લે એલને જણાવ્યું છે કે 1 ઓક્ટોબરથી અમરિકન સરકારમાં શટડાઉન થતાં ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશન પાસેથી ડેટા હાંસલ કરવામાં વિલંબ થઇ રહ્યો છે.


