લંડનઃ બ્રિટનમાં જીવનનિર્વાહની કટોકટી હોવાં છતાં, અગાઉની સરખામણીએ બિલિયોનેર્સની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ વર્ષના સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર બ્રિટન 177 બિલિયોનેરનો દેશ છે એટલે કે 2021 કરતા 6 બિલિયોનેર વધ્યા છે. સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં ભારતીય મૂળના 15 પરિવારો અને વ્યક્તિઓમાં નવા નામ ચાન્સેલર રિશિ સુનાક- અક્ષતા મૂર્તિ, ગીતા ગુપ્તા અને ડાબર ગ્રૂપના સાકેત બર્મનનો ઉમેરો થયો છે. આ વર્ષના રિચ લિસ્ટમાં ઓટોમોટિવ કંપની હિન્દુજા ગ્રૂપના ચેરમેન શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા 11 બિલિયન પાઉન્ડના વધારા સાથે કુલ 28.472 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. રિચ લિસ્ટમાં કોઈ પણ પરિવાર અથવા વ્યક્તિ માટે આ સૌથી મોટી રકમ છે. આમ છતાં, ઘણા એશિયન અને અન્ય મિલિયોનેર્સ એવાં પણ છે જેઓ આવી યાદીમાં પોતાનું નામ આવે કે ન આવે તેની તમા રાખતા નથી.
હિંદુજા પરિવારે ગયા વર્ષે ત્રીજા ક્રમે ઉતરી ગયા પછી મોટો કૂદકો લગાવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. બીજા ક્રમે વેક્યુમ ક્લીનરના સ્થાપક સર જેમ્સ ડાયસન અને તેમનો પરિવાર અંદાજે 23બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે. ચાન્સેલર રિશિ સુનાકે પણ તેમના પત્ની અક્ષતા મૂર્તિ સાથે આ વર્ષના રિચ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. યુકેમાં મોખરાના રાજકારણીએ 30 વર્ષમાં રિચ લિસ્ટમાં સ્થાન મેળવ્યાની આ પ્રથમ ઘટના છે. ભારતમાં જન્મેલા ભાઈઓ ડેવિડ અને સિમોન રુબેન22.4 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે NRI સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ 17.1 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે રિચ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે આવે છે. બાયોકોનના સ્થાપક કિરણ મઝૂમદાર શો પણ રિચ લિસ્ટમાં સ્થાન પામ્યા છે.
સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટનું વિશ્લેષણ જણાવે છે કે બ્રિટનમાં સૌથી ધનવાન 250 લોકોની સંપત્તિ ગત વર્ષની સરખામણીએ 8 ટકા વધી છે અને ગત 12 મહિનામાં તેમની સંયુક્ત સંપત્તિનો આંકડો જંગી 710.72 બિલિયન પાઉન્ડનો રહ્યો હતો જે ગયા વર્ષે 658.09બિલિયન પાઉન્ડ હતો. વર્ષ 2017માં રિચ લિસ્ટમાં નવી 1000 એન્ટ્રી થઈ હતી તેમના કરતાં પણ આ વર્ષે પ્રવેશ મેળવનારા 250 ધનવાનો વધુ સંપત્તિવાન છે. યુકેના બિલિયોનેર્સની સંયુક્ત સંપત્તિ 9.4 ટકા એટલે કે 55.853 બિલિયનના વધારા સાથે 653.122 બિલિયન પાઉન્ડ થાય છે.
ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં યુનાઈટેડ કિંગ્ડમમાં સૌથી ધનવાન 1000 વ્યક્તિ કરે પરિવારોને તેમની ચોખ્ખી સંપત્તિના આધારે સ્થાન અપાય છે. છેક 14989થી પ્રકાશિત કરાતી આ યાદી દર વર્ષે એપ્રિલમાં અપડેટ કરવામાં છે. ઘણા બિલિયોનેર્સની સંપત્તિમાં ધરખમ વધારો થવાં છતાં યુક્રેન યુદ્ધની શરૂઆતમાં જ રશિયન ધનાઢ્યો પર લગાવાયેલાં સંખ્યાબંધ પ્રતિબંધોથી અનેક લોકોની સંપત્તિમાં ગાબડાં પડ્યાં છે. આમાં ચેલ્સીના 55 વર્ષીય પૂર્વ માલિક રોમાન અબ્રામોવિચનો સમાવેશ થાય છે જેઓ 20મા સ્થાનેથી ગબડી 28મા ક્રમે પહોંચી ગયા છે. લોર્ડ એલન સુગરની નેટ વર્થમાં 112 મિલિયન પાઉન્ડનું ગાબડું પડવાથી તેઓ લિસ્ટમાં નીચે સરકી ગયા છે પરંતુ, બિલિયોનેર રહ્યા છે. ભારે નુકસાન થવાં છતાં, 1.088 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે તેઓ 166મો ક્રમ ધરાવે છે.
યુકેમાં પ્રથમ ૨૦ ધનાઢ્યોની યાદી
• શ્રી અને ગોપીચંદ હિન્દુજા અને પરિવાર - 28.47 બિલિયન પાઉન્ડ • સર જેમ્સ ડાયસન અને ફેમિલી - 23 બિલિયન પાઉન્ડ • ડેવિડ અને સિમોન રૂબેન અને પરિવાર - 22.26 બિલિયન પાઉન્ડ • સર લિઓનાર્ડ બ્લાવાટ્નિક- 20 બિલિયન પાઉન્ડ • ગુઈલાઉમે પોસાઝ - 19.26 બિલિયન પાઉન્ડ • લક્ષ્મી મિત્તલ અને પરિવાર -17 બિલિયન પાઉન્ડ• ક્રિસ્ટોફ હેન્કેલ અને ફેમિલી - 15 બિલિયન પાઉન્ડ • ગાય, જ્યોર્જ, અલન્નાહ અને ગાલેન વેસ્ટોન અને ફેમિલી - 13.5 બિલિયન પાઉન્ડ• કિર્સ્ટેન અને જોર્ન રાઉઝિંગ - 12 બિલિયન પાઉન્ડ • શાર્લેન ડી કારવાલ્હો - હૈનકીન અને માઈકલ ડી કારવાલ્હો - 11.42 બિલિયન પાઉન્ડ • માઈકલ પ્લાટ- 10 બિલિયન પાઉન્ડ • એલિશેર ઉસ્માનોવ - 10 બિલિયન પાઉન્ડ • ધ ડ્યૂક ઓફ વેસ્ટમિન્સ્ટર અને ધ ગ્રોવનર ફેમિલી - 9.73 બિલિયન પાઉન્ડ • બર્નાબી અને મેરિલીન સ્વાયર અને ફેમિલી - 9.6 બિલિયન પાઉન્ડ • મેરિટ, લિસ્બેટ, સિગ્રીડ અને હાન્સ રાઉઝિંગ - 9.49 બિલિયન પાઉન્ડ • અનિલ અગ્રવાલ - 9.2 બિલિયન પાઉન્ડ • ડેનિસ, જ્હોન અને પીટર કોટ્સ - 8.64 બિલિયન પાઉન્ડ • જ્હોન ફ્રેડરિક્સેન અને ફેમિલી - 8.31 બિલિયન પાઉન્ડ • મિખાઈલ ફ્રિડમેન - 8.22 બિલિયન પાઉન્ડ • મોશે કેન્ટોર - 8 બિલિયન પાઉન્ડ
રિચ લિસ્ટમાં મૂળ ભારતીય/એશિયનને સ્થાન
ક્રમ નામ સંપત્તિ (£) કાર્યક્ષેત્ર/કંપની
૧. શ્રી અને ગોપીચંદ હિન્દુજા અને પરિવાર 28.472 બિલિ. ઈન્ડસ્ટ્રી અને ફાઈનાન્સ
૩. ડેવિડ અને સિમોન રૂબેન અને પરિવાર 22.265 બિલિ. પ્રોપર્ટી અને ઈન્ટરનેટ
૬. લક્ષ્મી મિત્તલ અને પરિવાર 17 બિલિ. સ્ટીલ. આર્સેલર મિત્તલ
૧૬.અનિલ અગ્રવાલ 9.2 બિલિ. માઈનિગ, વેદાંતા રિસોર્સીસ
૩૯.મોહસિન અને ઝૂબેર ઈસા 4.73 બિલિ. ફ્યૂલ ડિસ્ટ્રિ. અને સુપરમાર્કેટ્સ
૪૧.શ્રી પ્રકાશ લોહિયા 4.37બિલિ. ટેક્સ્ટાઈલ્સ અને પ્લાસ્ટિક્સ
૭૨.નવીન અને વર્ષા એન્જિનીઅર 2.5 બિલિ. ફાર્માસ્યુટિકલ્સ
૭૨. લોર્ડ પોલ અને પરિવાર 2.5 બિલિ. ઈન્ડસ્ટ્રી
૭૫. કિરણ મઝુમદાર શો, જ્હોન શો અને ફેમિલી 2.496 બિલિ. ફાર્માસ્યુટિકલ્સ
૯૯. જસમિન્દર સિંહ અને ફેમિલી 1.824 બિલિ. હોટેલ્સ
૧૧૦. સાકેત બર્મન 1.654 બિલિ. કન્ઝ્યુમર ગુડ્ઝ
૧૩૮. સુરિન્દર અરોરા અને ફેમિલી 1.255 બિલિ. હોટેલ્સ
૧૩૯. સર અનવર પરવેઝ અને ફેમિલી 1.253 બિલિ. કેશ એન્ડ કેરી
૧૪૦. રાજ, ટોની, હરપાલ મથારુ અને ફેમિલી 1.25 બિલિ. પ્રોપર્ટી અને હોટેલ્સ
૧૪૦. સુનિલ વાસવાણી અને ફેમિલી 1.25 બિલિ. ટ્રાન્સપોર્ટ અને ફૂડ
૧૪૯. ગીતા ગુપ્તા-ફિસ્કર અને હેનરિક ફિસ્કર 1.20 બિલિ. ઈલેક્ટ્રિક વ્હીકલ્સ
૨૨૨. અક્ષતા મૂર્તિ અને રિશિ સુનાક 730 મિલિ. ટેકનોલોજી અને હેજ ફંડ
૨૨૫. મહમૂદ કામાણી અને ફેમિલી 720 મિલિ. ઈન્ટરનેટ, રિટેઈલિંગ
૨૪૭. જતાણીઆ બ્રધર્સ 650 મિલિ. ટોઈલેટરીઝ, પ્રોપર્ટી અને ફેશન


