લંડનઃ સ્કોટિશ નેશનલ પાર્ટીએ યુકેમાં જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા ચાન્સેલર સુનાકે ઈમર્જન્સી બજેટ રજૂ કરવું જોઈએની માગણી ઉઠાવી છે. પાર્ટીના શેડો ચાન્સેલર એલિસન થ્યુલિસે આક્ષેપ કર્યો છે કે યુકે સરકાર પરિવારો પર વધી રહેલા ફાઈનાન્સિયલ દબાણોને નજરઅંદાજ કરવા ઈરાદાપૂર્વકની રાજકીય પસંદગીઓ કરી રહી છે.
હાઉસ ઓફ કોમન્સમાં ઈસ્ટર વિરામ ચાલે છે ત્યારે વડા પ્રધાન અને ચાન્સેલરને હાથ જોડીને બેસી રહેવાનું અને ઓટમ બજેટ સુધી કશું જ નહિ કરવાનું પોસાઈ શકે પરંતુ, સામાન્ય બ્રિટિશરોને આ પોસાય નહિ તેમ થ્યુલિસે કહ્યું હતું. સુનાક ઈસ્ટર રિસેસમાં કેલિફોર્નિયાસ્થિત નિવાસે રજાઓ ગાળવા જવાની શક્યતા છે. એનર્જી પ્રાઈસ મર્યાદામાં ૫૪ ટકાના વધારા સાથે પરિવારોએ સૌથી મોટી કટોકટીનો સામનો કરવો પડશે. સ્કોટલેન્ડમાં અંદાજે 211,000 પરિવારો ફ્યૂલ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા સાથે જીવનનિર્વાહ કટોકટીના વિરોધમાં સમગ્ર યુકેમાં વિરોધના ભાગરુપે STUC અને પીપલ્સ એસેમ્બલી દ્વારા જ્યોર્જ સ્કવેરમાં આયોજિત રેલીમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા.
સિટિઝન એડવાઈસ સ્કોટલેન્ડ (CAS) ચેરિટીના સંશોધન અનુસાર મહામારીના આરંભ પછી દેવાં માટે 280,000 લોકોએ ઘટેલી અથવા ગુમાવેલી આવકને ચાવીરૂપ કારણ ગણાવી હતી. ચેરિટીએ ચેતવણી આપી છે કે એનર્જી બિલ્સ નઅને દુકાનોમાં વધતી કિંમતોના કારણે લાખો લોકો દેવાંમાં ધકેલાઈ જવાનું જોખમ છે.

